કઠોર પરિશ્રમ કરશો તો 2024માં મારા નામ પર નિર્ભર રહેવું ન પડે મોદી

કઠોર પરિશ્રમ કરશો તો 2024માં મારા નામ પર નિર્ભર રહેવું ન પડે મોદી
ભાજપ-સાંસદોની કાર્યશાળાને સંબોધન, નોંધ લેતો ગૌતમ ગંભીર

નવી દિલ્હી, તા. 10: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નવા ચૂંટાયેલા સાંસદોને જણાવ્યું હતું કે  `તમે હવે ચૂંટાઈ આવ્યા હોઈ તમારી પાસે તમારા મતવિસ્તાર માટે કામ કરી લેવાના 4ાા વર્ષ રહે છે  તમારે કઠોર પરિશ્રમ કરી તમારા મતવિસ્તારોને સુધારવો રહ્યો, જેથી 2024ની ચૂંટણી જીતવા તમારે મારા નામ અને પહેચાન પર નિર્ભર રહેવું ન પડે.' ભાજપી સાંસદો માટેની કાર્યશાળાના પોતાના અનુભવો લખતાં પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કાર્યશાળામાં વડા પ્રધાને આમ કહ્યાનું જણાવતા ઉમેર્યું હતું કે કાર્યશાળામાંનો માહોલ ભારતીય ક્રિકેટ ટીમની કોઈક ઐતિહાસિક બેઠકોની યાદ અપાવતું હતું, પરંતુ રાષ્ટ્રીય રાજકારણ સંદર્ભે તે ગાઢ પરિણામો ધરાવતી હતી.
મોદીજીએ તેમનો અભિગમ કેન્દ્રિત પણ અવિધિસરનો રાખ્યો હતો: સાંસદો જોડે તેઓ ભોજનમાં જોડાયા હતા, બલકે બ્રેડ બાસ્કેટ લઈ સાંસદોને ચપાતી પીરસવી શરૂ કરીને તો તેમણે અમને સ્ટમ્પ્ડ કરી દીધા હતા એમ, '11માં વર્લ્ડ કપ જીતવામાં જેની બેટીંગ ચાવીરૂપ બની રહી હતી તેવા નવોદિત સાંસદ ગૌતમ લખે છે.
વડા પ્રધાને હકારાત્મકતા  પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાનું જણાવી સાંસદોને, સાંસ્કૃતિક અને માનવીય સ્રોતોનું દોહન કરી ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા પ્રતિ કામ કરવા હાકલ કરી હતી.
કાર્યશાળામાં મંચ પરથી નીચે ઉતરી આવી સાંસદો વચાળે બેસવાના વડા પ્રધાનના નિર્ણયે સૌને અચરજ પમાડયું હતું કારણ કે આમ કરી તેઓ સાંસદો અને મંત્રીઓને એવો સંદેશ આપવા માગતા હતા કે તેઓ અને સંગઠન અને લોકો વચ્ચે આડશો તેઓએ ઉભી થવા દેવી ન જોઈએ.
ગૌતમ વધુમાં લખે છે કે મોદીજીની સંગઠનકારી ભાવના મને વિશેષ પ્રભાવિત કરી ગઈ. દરેક સભ્યની સંગઠનકારી ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવાના મહત્ત્વ પર તેમણે ભાર મૂકયો હતો. તમામ સાંસદો સાથે વાર્તાલાપ કરતા વડા પ્રધાને એવો પાઠ આપ્યો હતો કે ભૂમિગત કાર્યકર તરીકે સક્રિય રહીને કઈ રીતે કુશળ સાંસદ બની શકાય છે. પક્ષને ઓર્ગનિક એકમ ગણાવી  તેમણે તમામ સાંસદોને પ્રજા સાથે સંકળાયેલા રહેવા સલાહ આપી હતી. વ્યક્તિગત ગૌરવ કરતા ટીમ વર્ક જરૂરી હોવા પર ભાર મૂકતાં તેમણે પોતાના આરોગ્યની કાળજી કરવા અને પોતાના પરિવારો પ્રતિ નિષ્કાળજી ન રાખવા સાંસદોને અનુરોધ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer