પાકિસ્તાનને હવે રશિયાનો પણ હડસેલો

પાકિસ્તાનને હવે રશિયાનો પણ હડસેલો
રોકડું પરખાવ્યું, `ભારતનો નિર્ણય યોગ્ય'

નવી દિલ્હી, તા.10 : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાના ભારત સરકારના નિર્ણય સામે વિશ્વબિરાદરીની સહાનુભૂતિ મેળવવા રઘવાયા બનેલા પાકિસ્તાનને એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે. દુનિયાના શક્તિશાળી દેશો અને સંગઠનોના મામલામાં મધ્યસ્થતા અને હસ્તક્ષેપની આશામાં ભટકી રહેલા પાડોશી દેશને દરેક જગ્યાએથી પાછીપાની કરવી પડી છે. તેને હવે રશિયા પાસેથી પણ જાકારો મળ્યો છે. રૂસે આજે પાકિસ્તાનને કહી દીધું હતું કે ભારતે જમ્મુ-કાશ્મીરને લઈને જે નિર્ણય કર્યા તે તેના બંધારણને અનુરૂપ જ છે.
રૂસી વિદેશમંત્રાલયે આજે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભારતે પોતાના બંધારણના દાયરામાં રહીને જમ્મુ-કાશ્મીરનો દરજ્જો બદલ્યો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કર્યા છે. રૂસી મંત્રાલયે કહ્યું કે મોસ્કો તથ્યોની ઊંડી તપાસ બાદ આ નિર્ણય પર પહોંચ્યું છે.રૂસે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે દિલ્હી દ્વારા જમ્મુ અને કાશ્મીરનો દરજ્જો બદલવાને કારણે ભારત અને પાકિસ્તાન તે વિસ્તારમાં સ્થિતિ બગડવા દેશે નહીં.
વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં જણાવ્યું હતું કે રૂસ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સામાન્ય રહે તેનું સતત સમર્થન કરતું આવ્યું છે.અમને આશા છે કે બંને દ્વિપક્ષીય આધાર પર રાજનીતિક અને રાજદ્વારી પ્રયાસોથી પોતાના મતભેદોનો ઉકેલ લાવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર જ નહીં, અમેરિકા અને ચીન તરફથી પણ ઝટકો ખાવો પડયો હતો. સંયુક્ત રાષ્ટ્ર પરિષદે કાશ્મીર મામલામાં સંજ્ઞા ન લેવાનો ઈન્કાર કર્યો હતો જ્યારે અમેરિકા તરફથી પણ કોઈ રાહત મળી ન હતી અને વોશિંગ્ટને એમ સ્પષ્ટ જણાવી દીધું હતું કે કાશ્મીર પર અમેરિકી નીતિમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. પાકિસ્તાન જેને પોતાનું પરમ મિત્ર માને છે એ ચીને પણ પાકિસ્તાન વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીને જણાવી દીધું હતું કે ચીનની નજરમાં ભારત અને પાકિસ્તાન બંને `િમત્રવત્' પડોશી  દેશ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer