મુખ્ય પ્રધાનની વિરોધ પક્ષોને અપીલ

મુખ્ય પ્રધાનની વિરોધ પક્ષોને અપીલ
પૂરસ્થિતિમાં રાજકારણ ન રમો, ખામીઓ બતાડો

સાંગલી, તા. 10 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિરોધ પક્ષને અપીલ કરી હતી કે પૂરસ્થિતિમાં કોઈ રાજકારણ ન કરે. બધાએ સંગઠિત થઈને પૂરપીડિતોને મદદ કરવાની જરૂર છે. દેવેન્દ્રે આજે પૂરસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. દેવેન્દ્રે પૂરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી. તેમણે જિલ્લા કલેકટરો સાથે વાતચીત કરી હતી. મુખ્ય પ્રધાને પૂરગ્રસ્તોને સરકારે કરેલી મદદની વિપક્ષોએ કરેલી ટીકાનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિરોધ પક્ષો રાજ્ય સરકારની ખામીઓ બતાડે, પરંતુ આમાં રાજકારણ ન ખેલે. બધાએ સંગઠિત થઈને લોકોની મદદ કરવાની જરૂર છે. મુખ્ય પ્રધાને કહ્યું કે ફૂડ પૅકેટ પર મુખ્ય પ્રધાન કે વિધાનસભ્ય કે પક્ષના નેતાનો ફોટો ન મૂકવો. હકીકતમાં મેં કોઈનો પણ ફોટો ન મૂકવાની અને `મહારાષ્ટ્ર શાસન' એટલો ઉલ્લેખ કરવાની સૂચના આપી છે.
કોલ્હાપુરના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરતાં રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને બોટમાં બેસીને સેલ્ફી પાડતો વીડિયો વાઇરલ થયો હતો. આને પગલે તેમની વ્યાપક ટીકા થઈ હતી. મુખ્ય પ્રધાને આ અંગે ખુલાસો આપ્યો હતો. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મહાજને સેલ્ફી કાઢી નહોતી. બોટ છોડવા માટે આવેલા લોકોને હાથ બતાડી રહ્યા હતા. તમે પત્રકારોએ જોયું કે મહાજન ગળાડૂબ પાણીમાં પણ રાહત આપવા પહોંચી ગયા. મહાજનને જોઈને લોકોને સાંત્વના મળે છે.
દેવેન્દ્રે માહિતી આપી કે બ્રહ્મનાળ ખાતે બોટ ઊંધી વળતાં 12 જણ મરણ પામ્યાં અને બે જણ ઘાયલ થયા તથા હજી આઠ લાપતા છે. કોલ્હાપુર અને સાંગલીમાં પૂરને લીધે 101 ગામના 28,537 કુટુંબો એટલે કે 1,00,043 લોકોને વિસ્થાપિત કરાયા છે. સાંગલીમાં 15 બોટની મદદથી બચાવકાર્ય ચાલુ છે. 27 હજાર એકર જમીન પરનો પાક નાશ પામ્યો છે. પૂરગ્રસ્તોને અત્યારે 153 કરોડ રૂપિયાની મદદ જાહેર કરાઈ છે. આમાંથી આંશિક મદદ રોકડમાં અને બાકીની મદદ ખાતામાં જમા કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer