પૂરને લીધે વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખો રાજ ઠાકરે

પૂરને લીધે વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખો રાજ ઠાકરે
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રની પૂરસ્થિતિ અત્યંત વિકટ છે. બે-ત્રણ મહિનામાં આ પરિસ્થિતિ થાળે નહીં પાડી શકાય. આવા સમયે કોઈ પણ ચૂંટણી લેવી એ માનવતા પ્રમાણે યોગ્ય નથી. આથી ચૂંટણી મોકૂફ રાખો એવી માગણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ કરી છે.
મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં રાજ ઠાકરેએ કોલ્હાપુર અને સાંગલી જિલ્લાના પૂર બદલ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકનાં ઘર નથી. તેમની પાસે અન્નધાન્ય નથી. આ બધાનો ઉકેલ શોધવો એટલો સહેલો નથી. સરકાર બચાવ અને રાહત કાર્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે એવું આવશ્યક છે.
આથી ચૂંટણી પાછળ ધકેલવી જરૂરી છે, નહીં તો આચારસંહિતાના નામે પુનર્વસવાટનું કામ અટકાવી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે આ સૂચન પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
રાજ ઠાકરેએ ગિરીશ મહાજનના પૂર પર્યટન, ચંદ્રકાંત પાટીલના વરસાદ અંગેના નિવેદન તથા મદદ સાહિત્ય પર મુખ્ય પ્રધાનનો ફોટો એની જોરદાર ટીકા કરી ભાજપને સત્તાનું અભિમાન આવ્યું છે. તેને કોઈ પણ વસ્તુ સાથે લેવાદેવા નથી. તેને ફક્ત રાજકારણ કરવું છે. તેણે આંકડા નક્કી કર્યા છે અને આ માટે ફક્ત મશીન સેટ કરવાનું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિક કાર્યકર્તા કામ કરે છે. તેઓ પક્ષનું લેબલ લગાડીને ફરતા નથી.
આટલો વરસાદ પડશે એનો અંદાજ નહોતો એવું વક્તવ્ય કરનાર મહેસૂલપ્રધાન ચંદ્રકાન્ત પાટીલની રાજ ઠાકરેએ ટીકા કરી હતી. ક્યાં કેટલી બેઠક મળશે એનો અંદાજ કેવી રીતે આવે છે, પરંતુ કયાં કેટલો વરસાદ પડશે અને ક્યાં કેટલું પાણી ભરાશે એનો અંદાજ આવતો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer