પૂરને કારણે બજારમાં શાકભાજી, ફળો અને દૂધની ભારે અછત

પૂરને કારણે બજારમાં શાકભાજી, ફળો અને દૂધની ભારે અછત
શાકભાજીના ભાવ 40 ટકા વધ્યા, ફળોની આવકમાં 80 ટકા ઘટાડો, ગોકુળનો દૂધ પુરવઠો સંપૂર્ણ બંધ : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આવેલા પૂરની વિપરીત અસર શાકભાજી, ફળ અને દૂધના ઉત્પાદન પર થઈ હોવાથી વાશીની એપીએમસી બજારમાં ભાજી અને ફળની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેને લીધે છુટક બજારમાં શાકભાજી અને ફળોની અછત જણાઈ રહી છે. એટલે શાકભાજીના ભાવ 30થી 40 ટકા વધી ગયા છે. તેમ જ પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં આવેલા વિનાશકારી પૂરને લીધે નવી મુંબઈ, મુંબઈ અને થાણે શહેરમાં દૂધના પૂરવઠા પર માઠી અસર પડી છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં દૂધની અછત વર્તાય છે અને હજી થોડાક દિવસો સુધી અછત કાયમ રહેશે તેવું કહેવાય છે. 
કોલ્હાપુર, સાંગલી, કરાડ, સતારા, સોલાપુર વગેરે જિલ્લાઓમાં પૂર આવ્યા હોવાથી ખેતીને પ્રંચડ નુકસાન થયું છે અને લગભગ બધે જ પાક ખરાબ થઈ ગયા છે. કર્ણાટકમાંથી આવતી ગાડીઓ હાઈવે પર પૂરના પાણી ભરાયેલા હોવાને કારણે અટકી પડી છે. તેને લીધે એપીએમસી બજારમાં માલની આવક બહુ ઓછા પ્રમાણમાં થાય છે. બેળગાવથી આવતી ગાડીઓ પણ ઠપ થઈ ગઈ છે. શાકભાજી બજારમાં નિયમિત 600થી 700 ગાડીઓ આવતી હતી. તેની બદલે હાલ 400થી 500 જ ગાડીઓ આવે છે. રાજ્યમાંથી શાકભાજીની આવક 30 ટકા અને અન્ય રાજ્યોમાંથી 70 ટકા થાય છે. કર્ણાટકમાંથી થતી આવકમાં 15થી 30 ટકાનો ઘટાડો થયો છે. તેની અછત છુટક બજાર પર થઈ છે અને ભાવ 30થી 40 ટકા વધી ગયા છે. ટમેટાં 80થી 90 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. તો આદુના ભાવ આસમાને પહોચ્યાં છે અને પ્રતિ કિલો ભાવ 300થી 350 રૂપિયા થયો છે. જ્યારે ભીંડા, રીંગણાના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો છે. ગુવાર, લીલા વટાણા, ફણસી અને ચોળીના ભાવ સૌથી વધારે છે અને તે 100થી 200 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં હોવાનું, એક વેપારીએ કહ્યું હતું. 
એપીએમસી ફળ બજારમાં નિયમિત થતી આવકમાં 80 ટકા ઘટાડો થયો હોવાની માહિતી ફળના એક વેપારીએ આપી હતી. હાલ બજારમાં 200થી 250 ગાડીઓ આવે છે. આ સમયગાળામાં ફળ બજારમાં કેરી, પપૈયા, સીતાફળની આવક હોય છે. કર્ણાટકમાંથી નીલમ કેરી, સીતાફળ, પપૈયાની આવક તો સાંગલીમાંથી દાડમની આવક થાય છે. પપૈયાની દરરોજ 25થી 30 ગાડીઓની આવક હતી તેને બદલે હાલ 15થી 20 ગાડીઓ જ આવે છે. જથ્થાબંધ બજારમાં પપૈયાના ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો તો છુટક બજારમાં 60થી 80 રૂપિયા થઈ ગયા છે. 
કોલ્હાપુર અને સાંગલીના પૂરને કારણે શહેરમાં દૂધની પણ અછત લોકો ભોગવી રહ્યાં છે. કોલ્હાપુરમાંથી શહેરમાં દરરોજ ગોકુલનું 7.5 લાખ લિટર દૂધ આવે છે, પણ શુક્રવારે એક પણ ટેન્કર નવી મુંબઈ આવ્યું નહોતું અને ગોકુલ દૂધનો પુરવઠો સંપૂર્ણ રીતે બંધ રહ્યો હતો. આવનારા થોડાક દિવસ પણ આવી જ પરિસ્થિતિ રહેશે, તેમ વિક્રેતાઓ જણાવ્યું હતું. જ્યારે વારણાનગર પરિસર પૂરગ્રસ્ત ભાગથી  દૂર હોવાથી ત્યાંથી નવી મુંબઈના વાશીમાં દૂધના 16 ટેન્કર આવ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer