નાઓમી ઓસાકાને સરળતાથી હરાવી

નાઓમી ઓસાકાને સરળતાથી હરાવી
રોજર્સ કપની સેમિફાઈનલમાં પહોંચી સેરેના

મોન્ટ્રીયલ, તા. 10 : અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે રોજર્સ કપના મહિલા એકલ વર્ગના સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. વિલિયમ્સે શુક્રવારે શાનદાર પ્રદર્શન કરતા જાપાનની નાઓમી ઓસાકાને સીધા સેટમાં6-3, 6-4થી હરાવી હતી. પુરા મેચમાં વિલિયમ્સની રમત શાનદાર રહી હતી અને ઓસાકા એક વખત પણ સર્વિસ બ્રેક કરી શકી નહોતી. 
જો કે સેરેના વિલિયમ્સ સામે હાર છતા પણ નાઓમી ઓસાકા પહેલા ક્રમાંકે યથાવત રહેશે. બન્ને ખેલાડીઓ વચ્ચેની રમત દરમિયાન ભારે પવન ફુંકાયો હતો. પરંતુ વિલિયમ્સે પોતાની રમતનું સ્તર જાળવી રાખ્યું હતું. પહેલા સેટમાં સરળ જીત મેળવ્યા બાદ બીજા સેટમાં શરૂઆતે જ વિલિયમ્સે 2-1થી સરસાઈ મેળવી લીધી હતી અને સેટમાં જીત પણ મેળવી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો. જેમાં પહેલી વખત સેરેના વિલિયમ્સને જીત મળી છે. વિલિયમ્સે કહ્યું હતું કે, ઓસાકા સાથે ન્યૂયોર્ક બાદ રમી નથી. છેલ્લા મેચમાં ઓસાકાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. હવે સેરેનાનો સામનો ચેક ગણરાજ્યની મારી બુજકોવા સામે થશે. જે સિમોના હાલેપ ઈજાના કારણે રિટાયર્ડ થતા આગામી દોરમાં પહોંચી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer