વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમનું એલાન

વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમનું એલાન
ભારત સામેની ટેસ્ટ મૅચમાં ગેલ પડતો મુકાયો : શમરાહ બ્રુક્સ કરશે ડેબ્યુ

નવી દિલ્હી, તા. 10 : ભારત સામે ટેસ્ટ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમનું એલાન કરી દીધું છે. ટીમમાં કેપ્ટન જેસન હોલ્ડરની વાપસી થઈ છે. જે ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેનો અંતિમ ટેસ્ટ રમી શક્યો નહોતો. વેસ્ટ ઈન્ડિઝ-એ ટીમ માટે કેપ્ટનશીપ કરતા શમરાહ બ્રુક્સને પહેલી વખત ટેસ્ટમાં તક મળી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરિઝની શરૂઆત 22 ઓગષ્ટના થવાની છે. જેમાં ક્રિસ ગેલને સ્થાન મળ્યું નથી. 
13 સભ્યની ટીમમાં કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્રેગ બ્રેથવેટ સામેલ છે. ટેસ્ટ શ્રેણી માટે ઓફ સ્પીનર રહકીમ કોર્નવોલને પણ પહેલી વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટ શ્રેણીમાં 2-1થી ઐતિહાસિક જીતમાં ટીમનો ભાગ રહેલા ઝડપી બોલર અલઝારી જોસેફ અને જોમેક વોરિકનને ઈજાના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.  સીનિયર ખેલાડી ડેરેન બ્રાવોનેને પણ તક મળી છે. ટીમમાં બેટ્સમેન એવિન લુઈસ, શેલ્ડન કોટરેલ અને અશાને થોમસનું નામ સામેલ નથી. આ ખેલાડીઓ વનડે અને ટી20મા ટીમનો હિસ્સો હતા. ગેલે અંતિમ ટેસ્ટ મેચ બંગલાદેશ સામે 2014મા રમ્યો હતો અને ભારત સામેના શરૂઆતી વનડેમાં ફોર્મમાં જોવા મળ્યો નહોતો.
વિન્ડિઝ ટીમ : જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રેગ બ્રેથવેટ, શમરાહ બ્રુક્સ, જોન કેમ્પેબલ, રોસ્ટન ચેઝ, રહકીમ કોર્નવાલ, શેન ડાઉરિચ, શેનન ગેબ્રિયલ, શિમરોન હેટમાયર,  શાઈ હોપ, કીમો પોલ, કેમર રોચ
ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા,  હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, રિદ્ધીમાન સહા, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer