શ્રીનગરમાં મોટાપાયે વિરોધના સમાચાર ઉપજાવી કાઢેલા છે કેન્દ્ર

નવી દિલ્હી, તા. 10 : જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો પાછો ખેંચાયા બાદ જ્યારે શુક્રવારે પ્રથમ વખત નિયંત્રણોમાં છૂટછાટ અપાઈ ત્યારે શ્રીનગરમાં લગભગ 10 હજાર માણસોએ વિરોધ કર્યો હતો. તેવા મીડિયા સમાચારને કેન્દ્ર સરકારે નકારી કાઢયા છે. ગૃહ ખાતાએ આ સમાચારને સંપૂર્ણપણે ઘડી કાઢેલા અને ખોટા જણાવ્યા હતા અને કહ્યું હતું કે માત્ર વીશેક જેટલા લોકોએ વિરોધ કર્યો હતો. 
મીડિયાના અમુક વર્ગ એક પોલીસ અધિકારી અને બે સાક્ષીઓને ટાંકીને એવો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે શ્રીનગરમાં શુક્રવારની નમાઝ બાદ બંધારણની કલમ 370ની કલમ નાબૂદ કરવવાનાં વિરોધમાં દશ હજાર લોકો એકઠા થયા હતા અને ટોળાને વિખેરવા પોલીસે અક્ષુવાયુ અને પેલેટ ગનનો ઉપયોગ કરવો પડયો હતો. 
 જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટયા બાદ પહેલો શુક્રવાર શાંતિ વચ્ચે પસાર થયો હતો. શ્રીનગરના ગુપકર અને નહેરુ પોઈન્ટ જેવા વીઆઈપી સ્થળ હોય કે હઝરતબલની દરગાહ, તમામ જગ્યાએ આશંકાઓ જોવા મળી હતી. જો કે શાંતિપૂર્ણ માહોલમાં લોકો શુક્રવારની નમાઝ માટે પણ નીકળ્યા હતા. જમ્મુ કાશ્મીર પ્રશાસનના કહેવા પ્રમાણે શ્રીનગરમાં 18000 લોકોએ નમાઝ પઢી હતી.  આવી જ રીતે બડગામમાં 7500 અને અનંતનાગમાં 11000 લોકોએ નમાઝ અદા કરી હતી. બારામુલ, કુલગામ અને શોપિયામાં 4000થી વધારે લોકો નમાઝ માટે નીકળ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer