પૂરગ્રસ્તોને રોકડ સહાય માટે સરકારે 154 કરોડ રૂપિયા કલેક્ટરોને આપ્યા

શહેરોમાં પરિવાર દીઠ 15,000 અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર દીઠ 12 હજાર રૂપિયાનું વિતરણ

મુંબઈ, તા. 10 (પીટીઆઇ) : પશ્ચિમ મહારાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોના પૂરગ્રસ્ત લોકોને મદદ માટે માટે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધીમાં 154 કરોડ રૂપિયા જિલ્લા કલેક્ટર કચેરીઓને આપ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ અજૉય મેહતાએ કહ્યું હતું કે જો કોઇ વિસ્તારમાં ફંડની અછત જણાય તો જિલ્લા કલેક્ટરને તિજોરીમાંથી વધુ ફંડ મેળવવા માટે નેગેટિવ ડેબિટની સત્તા પણ આપવામાં આવી છે. 
મેહતાના જણાવ્યા પ્રમાણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં શહેરી વિસ્તારોમાં પરિવાર દીઠ 15 હજાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર દીઠ 12 હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી રહી છે.  આ ઉપરાંત પૂરગ્રસ્ત સાંગલી અને કોલ્હાપુર જિલ્લાઓમાં લેપ્ટોસ્પાયરોસીસની બીમારીને પહોંચી વળવા દવાઓનો જરૂરી સ્ટૉક પણ તૈયાર રાખવામાં આવ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 70 મેડિકલ ટીમ પણ કામ કરી રહી છે. 
મેહતાએ કહ્યું હતું કે જૂનથી અૉગસ્ટના પહેલા અઠવાડિયા દરમિયાન રાજ્યમાં કુલ 782 મિલિમીટર વરસાદ નોંધાયો છે જે આટલા સમયગાળાના એવરેજ વરસાદ કરતા 109 ટકા છે. ચાર અૉગસ્ટ સુધીમાં કોલ્હાપુરમાં એવરેજ કરતા 124 ટકા અને સાંગલીમાં એવરેજ કરતા 224 ટકા વરસાદ થયો હતો. સાતારામાં પણ 181 ટકા વરસાદ થયો હતો. કોલ્હાપુર જિલ્લાના 239 અને સાંગલી જિલ્લાના 90 ગામો પૂરના પાણી વચ્ચે ફસાયા હતા. બચાવ ટુકડીઓઁ કુલ 2,52,813 લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડયા છે, એમ મેહતાએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer