રૂપાણી આજથી રશિયાના ત્રિદિવસીય પ્રવાસે

ડાયમન્ડ સેક્ટરના વિકાસ માટેના બે એમઓયુ થશે

ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવાના મુખ્ય પ્રધાનો પણ પ્રવાસમાં જોડાશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.10: ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવતી કાલે તા.11 અૉગસ્ટને રવિવારથી 3 દિવસ માટે રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રશિયાના વાલ્ડીવોસ્ટોકનો આ પ્રવાસ રશિયા-ભારત વચ્ચે વેપાર ઉદ્યોગ જોડાણ અને સહભાગીતાના પ્રોત્સાહન સંબંધોના હેતુસર યોજવામાં આવ્યો છે. કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલની આગેવાનીમાં રશિયા પ્રવાસે જનારા આ પ્રતિનિધિમંડળમાં રૂપાણી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવાના મુખ્ય પ્રધાનો પણ સમાવેશ કરાયો છે. 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના રશિયા પ્રવાસ દરમિયાન રશિયાના પ્રેસિડેન્ટ પુતિન સાથે તેમણે સાઇબેરિયામાં ઇન્ડિયા-રશિયાના વેપાર-ઉદ્યોગ જોડાણ માટે જે મંત્રણાઓ કરી હતી તે સંદર્ભમાં આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ બનશે. 
ભારતીય પ્રતિનિધિ મંડળના આ પ્રવાસના પ્રથમ દિવસે ભારતીય ડેલિગેશન સાથે રશિયાના ડેપ્યુટી પ્રાયમિનિસ્ટર અને રશિયાના ફાર ઇર્સ્ટન ફેડરલ ડિસ્ટ્રીક્ટના પ્રેસિડેન્શિયલ એન્વોય યુરી તૂર્તનેવ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ સંભાવનાઓ અંગે બેઠક યોજાવાની છે. રૂપાણીની ઉપસ્થિતિમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી સેકટરના બે એમઓયૂ પણ આ પ્રવાસ દરમિયાન સાઇન થશે. આ એમઓયૂ અન્વયે રશિયાના યુકુટીયા પ્રાંત અને ગુજરાત વચ્ચે સોર્સીગ અૉફ રફ ડાયમન્ડ માટેનો એમઓયૂ થવાનો છે. રશિયન ફેડરેશન પ્રિર્મોસ્કી કી પ્રાંત અને ગુજરાત વચ્ચે થનાર એમઓયૂ  અંતર્ગત ગુજરાતના હીરા ઉદ્યોગ સંચાલકો દ્વારા પ્રિર્મોસ્કી કી પ્રાંતમાં ડાયમન્ડ કટિંગ ઍન્ડ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના માટેના એમઓયૂ થશે. 
ભારતીય પ્રતિનિધિ મંડળના આ રશિયન પ્રવાસમાં ડાયમન્ડ, ટીમ્બર, પેટ્રોલિયમ, ફાર્મા સેક્ટર સહિતના ઉદ્યોગોના ગુજરાતના 28 જેટલા પ્રતિનિધિઓ પણ જોડાશે. મુખ્ય પ્રધાનના અગ્રસચિવ મનોજકુમાર દાસ, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા તથા મુખ્ય પ્રધાનના ઓએસડી ડીએચ શાહ પણ મુખ્ય પ્રધાન સાથે આ પ્રવાસમાં રહેશે. મુખ્ય પ્રધાન 13 અૉગસ્ટે સાંજે ગુજરાત પરત આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer