રાહત સામગ્રીની બૅગો પર ફડણવીસ અને વિધાનસભ્યના ફોટા

સાથેના સ્ટિકરો જોઇ વિપક્ષો ભડક્યા

સરકાર પૂરરાહતમાં પણ રાજકારણ અને પબ્લિસિટીને પ્રાધાન્ય આપતી હોવાનો આક્ષેપ

મુંબઈ, તા. 10 (પીટીઆઇ) : કોલ્હાપુર અને સાંગલી જિલ્લાના પૂરગ્રસ્તો માટે અનાજ અને ચોખા સહિતની રાહત સામગ્રીની ગૂણીઓ પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઇચલકરંજીના ભાજપના વિધાનસભ્ય સુરેશ હલવાનકરના ફોટાવાળા સ્ટિકર્સ ચોંટાડાયાં હોવાનું ધ્યાનમાં આવતા વિપક્ષોએ મહારાષ્ટ્ર સરકાર પર તડાપીટ બોલાવી છે. વિપક્ષોના જણાવ્યા પ્રમાણે વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની બેશર્મ સરકાર રાહત સામગ્રી પર જાહેરખબરો ચીપકાવી રહી છે. 
રાહત સામગ્રીની બૅગો પર ચીટકાવાયેલાં સ્ટિકર્સમાં લખાયું છે કે પૂરગ્રસ્ત લોકોને ઘંઉ અને ચોખાનું મફત વિતરણ. હલવાનકરે પ્રતિક્રિયામાં કહ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે ત્વરિત મદદ પહોંચાડી હોવાથી વિપક્ષોને ટીકા કરવાની એક પણ તક કે મુદ્દો જ નથી. આવાં સ્ટિકરો એટલા માટે લગાવાયાં છે કે લોકોને ખબર પડે કે સરકાર તેમને મફતમાં આ સામગ્રી આપી રહી છે. 
કૉંગ્રેસના નેતા અશોક ચવાણે કહ્યું હતું કે ક્યારે અને કેવા સંજોગોમાં જાહેરખબર કરવી એની કોઇક તો સમજ સરકારને હોવી જોઇએ. સરકાર લોકોને સમયસર રાહત તો ન આપી શકી, પરંતુ મોડે મોડે રાહત આપી તો એમાં પણ રાજકારણ અને જાહેરખબરની તક ઝડપી લીધી. આવી ચેષ્ટા બેશર્મી અને કમનસીબ છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે કુદરતી આફત વખતે પણ ભાજપ જાહેરખબરની એક પણ તક નથી છોડતો, ગમે તે થાય ચૂંટણીપ્રચાર ચાલુ રહેવો જોઇએ. 
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે રાહત અને મદદ કામગીરીમાં અમારી પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. અમારા કાર્યકરો આવો દેખાડો નથી કરતા, ભાજપ ચૂંટણીને ધ્યાનમાં લઇને આવા ગતકડાં કરી રહ્યો છે. એનસીપીના નેતા ધનંજય મુંડેએ સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે સરકાર સ્ટિકરો છપાવવામાં રોકાયેલી હતી તેથી જ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ કરવામાં બે દિવસનો વિલંબ થયો છે. સ્ટિકરો છપાય જાય એટલે જાહેરખબર બરાબર થઈ શકે એવા હેતુથી બે દિવસ લાખો લોકોને નસીબ પર છોડી દેવાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer