પુનર્વસન ફરજિયાત બનાવવાની માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : માત્ર તળ મુંબઈ જ નહીં પરંતુ સાયનથી મુલુન્ડ અને બાંદરાથી દહિસર સુધીમાં લગભગ 15,000થી 20,000 ઈમારતો જોખમી છે એ તમામનો પુનર્વિકાસ પણ ફરજિયાત બનાવવાની માગણી ઊઠી રહી છે.
મુલુન્ડ પશ્ચિમના રહેવાસી અશ્વિન આર. દાવડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને હાઉસિંગ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલને પત્ર લખીને આ માગણી કરતાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રનું પ્રધાન મંડળ `સેસ' ભરતી અને જોખમી બધી ઈમારતોનું પુનર્વસન ફરજિયાત બનાવવાનો નિર્ણય મંગળવાર, 13 અૉગસ્ટની બેઠકમાં લે એવી સંભાવના છે. આ કાયદો ભાડૂતો માટે આશીર્વાદરૂપ નીવડશે. આમ છતાં જૂની `સેસ' ભરતી ઈમારતો દક્ષિણ મુંબઈમાં છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમનાં પરાંઓમાં એવી હજારો ઈમારતો જોખમી છે. એ બિલ્ડિંગોને પણ આ કાયદામાં આવરી લેવી જોઈએ. આ ઉપરાંત પાઘડી સિસ્ટમની જૂની ઈમારતોને પણ આ કાયદા હેઠળ લઈને તેમનું પુનર્વસન ફરજિયાત બનાવવું જોઈએ, એવી માગણી દાવડાએ કરી છે. આ માટે સરકારે કાયદામાં જોગવાઈ કરવી જોઈએ એમ તેમણે પત્રમાં જણાવ્યું છે.