હવે અમે પણ લાવી શકશું કાશ્મીરી વહુ ખટ્ટર

હરિયાણાના મુખ્ય પ્રધાનના નિવેદન બાદ વિવાદ
નવી દિલ્હી, તા. 10 : જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ચાલી રહેલા વિવાદ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ખટ્ટરે કહ્યું હતું કે, આર્ટિકલ 370 નિરસ્ત થયા બાદ હવે કાશ્મીરી યુવતીઓને લગ્ન માટે લાવી શકાશે. એક કાર્યક્રમમાં ખટ્ટરે કહ્યું હતું કે, મંત્રી ઓપી ધનખડ કહે છે તેઓ બિહારથી વહૂ લાવશે. જ્યારે વર્તમાન સમયમાં લોકો કહી રહ્યા છે કે હવે કાશ્મીરનો રસ્તો સાફ થયો છે. અમે કાશ્મીરથી વહૂ લાવશું. 
સીએમ ખટ્ટરે અગાઉ બળાત્કાર ઉપર પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે, લાંબો સમય સાથે ફર્યા બાદ અચાનક બોલાચાલી થતા ફરિયાદ કરવામાં આવે છે કે મારા ઉપર બળાત્કાર આચરવામાં આવ્યો છે. આ અગાઉ પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી સતત ચર્ચામાં રહેતા ભાજપના વિધાયક વિક્રમ સૈનીએ કહ્યું હતું કે, દેશના મુસલમાનોએ ખુશ થવું જોઈએ કે હવે તેઓ કોઈપણ ભય વિના ગોરી કાશ્મીરી યુવતીઓ સાથે લગ્ન કરી શકશે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, ભાજપના કુંવારા નેતાઓ કાશ્મીરમાં પ્લોટ ખરીદી શકશે અને લગ્ન કરી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer