370 મુદ્દે નેશનલ કૉન્ફરન્સ સુપ્રીમમાં

કેન્દ્રએ કાશ્મીરીઓનો મત લીધા વિના ગેરબંધારણીય ફેંસલો લીધો હોવાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. 10 : જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવા વિરુદ્ધ નેશનલ કોન્ફરન્સ સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. પક્ષના નેતા મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદીએ રાષ્ટ્રપતિના આદેશને ગેરબંધારણીય અને અમાન્ય જાહેર કરવાની માંગ સાથે કહ્યું છે કે, આ  ફેંસલો જમ્મુ-કાશ્મીરના લોકોનો મત લીધા વિના જ લેવામાં 
આવ્યો છે.
એન.સી.એ. પોતાની અરજીમાં કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકારે બે વિસ્તારની જનતાનો અભિપ્રાય જાણ્યા વિના જ નિર્ણય લઇ લીધો છે. નેશનલ કોન્ફરન્સના સાંસદો લોન અને મસૂદીએ રજૂઆત કરી છે કે કલમ 370ને હટાવવાનો રાષ્ટ્રપતિનો આદેશ અને  પુનર્રચના વિધેયક મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ આદેશ અને વિધેયક બંધારણની કલમ 14 અને 21માં ઉલ્લેખ કરાયો છે એવા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 
ઉલ્લેખનીય છે કે મસૂદી અગાઉ કલમ 370ને બંધારણનો અસ્થાયી હિસ્સો ઠરાવતો ચુકાદો આપનારી ખંડપીઠમાં સામેલ રહી ચૂકેલા જમ્મુ અને કાશ્મીર હાઇ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે. બન્નેએ આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે બંધારણીય માળખાનું ઉલ્લંઘન કર્યું છે. શું સરકારે આ ખોટો નિર્ણય લીધો નથી ?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer