પીઢ કૉંગ્રેસી નેતા શીલા દીક્ષિતનું નિધન

પીઢ કૉંગ્રેસી નેતા શીલા દીક્ષિતનું નિધન
સતત ત્રણ વખત દિલ્હીના મુખ્ય પ્રધાનપદે રહી પાટનગરની કાયાપલટ કરી હતી : વડા પ્રધાન મોદીએ નિવાસ સ્થાનની મુલાકાત લીધી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : દિલ્હીના સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન રહેલાં કૉંગ્રેસનાં પીઢ નેતા શીલા દીક્ષિતનું આજે નવી દિલ્હીની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલા બાદ અવસાન થયું હતું. થોડા દિવસ પહેલાં તેમને અહીંની એસ્કોર્ટસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
લોકસભાની ચૂંટણી પહેલાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં તેમણે દિલ્હી કૉંગ્રેસના વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે નોર્થ ઇસ્ટ દિલ્હી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ભાજપના મનોજ તિવારી સામે હારી ગયાં હતાં. તેમના અવસાનથી આવતા વર્ષે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસમાં મોટો શૂન્યાવકાશ સર્જાયો છે. કારણ કે તેઓ દિલ્હીમાં કૉંગ્રેસનો ચહેરો હતાં. જેમણે દિલ્હીના માર્ગો, ફ્લાયઓવરો સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચરને વિકસાવવામાં મોટું યોગદાન આપ્યું હતું અને શહેરનું પ્રદૂષણ ઘટાડવા, જાહેર પરિવહન સેવાને વધુ સારી બનાવવા, આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓ સુધારવામાં પણ તેમનો ફાળો રહ્યો હતો. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે `શીલા દીક્ષિતજીના અવસાનના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. તેઓ કૉંગ્રેસનાં લાડીલાં પુત્રી હતાં જેમની સાથે મારા નજીકના અંગત સંબંધો હતા. હું તેમના પરિવારજનો અને દિલ્હીવાસીઓ પ્રત્યે શોક પ્રગટ કરું છું.'
કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી-વડરાએ જણાવ્યું હતું કે `શીલા દીક્ષિતના અવસાનથી મને ઊંડો આઘાત લાગ્યો છે. તેમણે દિલ્હી અને દેશ માટે જે પણ કાર્ય કર્યું છે તેને લોકો હંમેશાં યાદ રાખશે. તેઓ કૉંગ્રેસના મોટા નેતા હતાં. તેમનું પક્ષ, દિલ્હી અને રાષ્ટ્ર માટે અનોખું યોગદાન રહ્યું હતું.'
`હંમેશાં કૉંગ્રેસી અને દિલ્હીના ત્રણવાર મુખ્ય પ્રધાન રહેલાં શીલા દીક્ષિતે દિલ્હીની સિકલ બદલી દીધી હતી' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer