સોનભદ્રના પીડિતોને મળ્યાં પ્રિયંકા

સોનભદ્રના પીડિતોને મળ્યાં પ્રિયંકા
યોગી સરકાર સાથે મડાગાંઠ ખતમ : મહિલાઓ ભેટીને રડી; સરકાર આરોપીઓને છાવરે છે : કૉંગ્રેસ

લખનૌ, તા. 20 : કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીની ધરપકડથી રાજકીય ગરમાવા બાદ શનિવારે  ઉત્તરપ્રદેશ સરકાર અને પ્રિયંકા વચ્ચેની મડાગાંઠનો અંત આવ્યો હતો. પરિણામે સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળ્યા બાદ તેમણે ધરણા ખતમ કરી દીધાં હતાં. બીજી તરફ કોંગ્રેસે યોગી સરકાર પર આ હત્યાકાંડના આરોપીને છાવરવાનો આક્ષેપ કર્યો હતો. સોનભદ્રાના કેટલાક લોકો પ્રિયંકા જ્યાં રાત રોકાયા હતા, તે ચુનાર ગેસ્ટહાઉસમાં મળવા માટે સામેથી  પહોંચી ગયા હતા.
પ્રિયંકાએ પીડિત પરિવારોને કોંગ્રેસ તરફથી 10-10 લાખ રૂપિયાના વળતરની ઘોષણા કરી હતી. સાથોસાથ  પ્રદેશની સરકારને પણ વળતર આપવાની માંગ કરી હતી.
સોનભદ્ર હત્યાકાંડના મૃતકોના પરિવારની મહિલાઓ પ્રિયંકાને ભેટીને રડવા લાગી હતી. કોંગ્રેસ મહામંત્રીએ સાડીથી તેમના આંસુ લૂછ્યાં હતા. આ પ્રસંગનો વીડિયો સોશ્નિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો.
પીડિતોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કેટલીક મહિલાઓ પર બોગસ કેસ કરાયા છે. પીડિતો પર પૂરી યોજના સાથે ગોળી ચલાવાઇ છે. મહિલાઓ પર કેસ પાછા ખેંચવા સાથે ગ્રામીણોને જમીન પાછી મળવી જોઇએ તેવી માંગ પણ તેમણે કરી હતી.
દરમ્યાન, કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ઉત્તરપ્રદેશ સરકાર ન્યાય સુનિશ્ચિત કરવાના સ્થાને આરોપીઓને બચાવી રહી છે. 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ પ્રિયંકા ગાંધીથી ડરી રહ્યા છે. યોગીના રાજમાં ભારે સંવેદનાહિનતા છે તેવા આક્ષેપો તેમણે કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer