કચ્છી વેપારીએ વરલીના દરિયામાં ઝંપલાવીને કરી આત્મહત્યા

કચ્છી વેપારીએ વરલીના દરિયામાં ઝંપલાવીને કરી આત્મહત્યા
માટુંગાના હિતેન દેઢિયાનો મૃતદેહ ચોપાટી પાસેથી મળ્યો : છેલ્લા 11 દિવસમાં મુંબઈમાં ત્રીજા કચ્છીએ ર્ક્યું સુસાઈડ 

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : શુક્રવારે માટુંગાના કચ્છી વેપારી હિતેન દેઢિયાએ આપઘાત કરતા મુંબઈનો કચ્છી સમાજ અત્યારે કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. 10 જુલાઈના માટુંગામાં બીલ્ડર મુકેશ સાવલાએ આપઘાત ર્ક્યો હતો અને એ પછી પાર્થ સોમાણી નામના કચ્છી તરુણે સી-લિંકના દરિયામાં ઝંપલાવ્યું હતું. હિતેન દેઢિયાના આપઘાત સાથે મુંબઈના કચ્છી સમાજમાં છેલ્લા નવ દિવસમાં આપઘાતની ત્રણ કરુણ ઘટના બની છે.
માટુંગામાં તેલંગ રોડ પર હરિ મંગલ બિલ્ડિંગમાં રહેતા કચ્છી વીસા ઓશવાલ (કવીઓ) સમાજના હિતેન મુલચંદ નાનજી દેઢિયા (ગામ ગઢશીસા)એ શુક્રવારે વરલી સી-ફેસના દરિયામાં ઝંપલાવીને આપઘાત ર્ક્યો હતો. તેનો મૃતદેહ શનિવારે મળ્યો હતો.
હિતેન દેઢિયાએ ક્રિકેટના જુગારને કારણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે, પણ તેના સગા કાકા રમણીકભાઈ દેઢિયાએ કહ્યું હતું કે એ ટેન્શનમાં જરૂર હતો, પણ એનું કારણ ક્રિકેટનો સટ્ટો હતો એની અમને ખબર નથી.
મૃતદેહ આખી રાત દરિયામાં તરતો હોવાથી ફૂલી ગયો હતો. શનિવારે આ લાશ તરતી તરતી દક્ષિણ મુંબઈના કિનારા પાસે પહોંચી હતી. કોઈની નજરે ચઢી હતી. શરીર પર ઘા પણ હતા, પરંતુ એ ઘા દરિયાનાં પથ્થરોના હોવાનું મનાય છે. મૃતદેહનું પોસ્ટમૉર્ટમ જે. જે. હૉસ્પિટલમાં થયું હતું. મોડી રાત્રે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
હિતેનના કાકાએ `જન્મભૂમિ'ને કહ્યું હતું કે છેલ્લા એક-દોઢ મહિનાથી તે એકદમ ટેન્શનમાં રહેતો હતો અને તેને શું ટેન્શન છે એ પણ કોઈને જણાવતો ન હતો. શુક્રવારે સવારે હું થોડી વારમાં આવું છું કહીને એ ઘરેથી નીકળ્યો હતો. બપોર પછી એના બન્ને મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા. સાંજે સાત સુધી એ પાછો ન આવતા અમે માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
તેમણે કહ્યું હતું કે શનિવારે બપોરે બે વાગ્યે અમને જેજેમાંથી ફોન આવ્યો હતો અને ત્યાં જઈને તેનાં કપડાં, પાકીટ અને કાર્ડ પરથી તેની ઓળખ કરી હતી.
હિતેનના કાકાએ કહ્યું હતું કે તેણે વરલી સી-ફેસ વિસ્તારમાંથી દરિયામાં ઝંપલાવ્યું હતું. તેની વસઈમાં સ્ટીલનાં વાસણો બનાવવાની ફેકટરી હતી અને ધંધામાં બન્ને ભાઈ સાથે જ હતા.
તેમણે કહ્યું હતું કે તેને વોલીબૉલ અને ક્રિકેટનો ભારે ચસકો હતો, પણ તે ક્રિકેટનો જુગાર રમતો હતો એની અમને ખબર પણ નથી. આ અમે પહેલીવાર સાંભળીએ છીએ.
હિતેન તેની પત્ની, બે બાળકો અને માતા સાથે રહેતો હતો. તેમનાં પત્ની શેરડી (માંડવી)ના વતની છે. તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. હિતેનભાઈ ગામના વોલીબૉલના સારા ખેલાડી હતા અને કચ્છી વીસા ઓશવાલ સેવા સમાજ યોજિત ટુર્નામેન્ટોમાં છેલ્લાં દસ-બાર વર્ષથી ભાગ લેતા હતા.
મુંબઈના કચ્છીઓ માટે કપરો સમય
  • 10 જુલાઈ, 2019 : માટુંગાના કચ્છી વીસા ઓશવાલ સમાજના મુકેશ સાવલાએ 15મા માળેથી ઝંપલાવી સુસાઈડ ર્ક્યું.  કારણ : આર્થિક ભીંસ.
  • 12, જુલાઈ, 2019 : મુલુંડમાં કચ્છી માહેશ્વરી સમાજની હૉસ્ટેલમાં રહેતા મૂળ ભુજના પાર્થ સોમાણીએ બાંદ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું. કારણ : અજ્ઞાત
  • 19, જુલાઈ, 2019 : માટુંગામાં તેલંગ રોડ પર રહેતા કચ્છી વીસા ઓશવાલ સમાજના હિતેન દેઢિયાએ વરલીના દરિયામાં ઝંપલાવ્યું. તેનો મૃતદેહ શનિવારે (ગઈકાલે) મળ્યો. કારણ : ક્રિકેટનો જુગાર હોવાનું કહેવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer