ઐતિહાસિક ભાયખલા સ્ટેશનના પુનરુદ્ધારનાં કામનો પ્રારંભ

ઐતિહાસિક ભાયખલા સ્ટેશનના પુનરુદ્ધારનાં કામનો પ્રારંભ
રેલવેના બધા પુલોની વિગતો અૉનલાઈન ઉપલબ્ધ કરાશે

મુંબઈ, તા. 20 : વહીવટી તંત્રમાં પારદર્શકતા લાવવા માટે `રેલદૃષ્ટિ પોર્ટલ'માં દેશમાં રેલવેના બધા પુલ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ રેલવેપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે.
મધ્ય રેલવેના ભાયખલા સ્ટેશનના પુનરુદ્ધારના પ્રકલ્પનો શુભારંભ કર્યા પછી ગોયલે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રેલદૃષ્ટિ પોર્ટલમાં દેશભરના લગભગ સવા લાખ જેટલા રેલવે પુલની માહિતી ઉપલબ્ધ કરાશે. તેમાં પુલ કઈ સાલમાં બાંધવામાં આવ્યો, તેનું ઓડિટ કઈ સાલમાં કરાયું અને તેના ઓડિટર કોણ છે તેની બધી વિગતો નાગરિકોને ઉપલબ્ધ કરાશે. તે પોર્ટલમાં સંબંધિત અધિકારી અને ઓડિટર્સના ફોન નંબર પણ મૂકવામાં આવે એવી સંભાવના છે. તેના કારણે રેલવેના વહીવટમાં કાર્યક્ષમતા અને પારદર્શકતા વધશે. પુરાતત્ત્વની દૃષ્ટિએ મહત્ત્વના ગણાતા ભાયખલા સ્ટેશનની કાયાપલટ સરળ કામ નથી. આ સ્ટેશનની સુંદરતા ફરી મેળવી આપવા કેટલાંક લોકો આગળ આવ્યા તેનો મને આનંદ છે, તે બધાનો આભાર માનવો જોઈએ એમ ગોયલે ઉમેર્યું હતું.
ભાજપના આગેવાન શાયના એન.સી.ની આગેવાની હેઠળની બિનસરકારી સંસ્થા - `આઈ લવ મુંબઈ'એ ગત વર્ષે મધ્ય રેલવે દ્વારા ભાયખલા સ્ટેશનના કાયાકલ્પ અને સૌન્દર્યકરણ માટે સમજૂતી કરી હતી. `આઈ લવ મુંબઈ'એ આ સ્ટેશનનું સૌન્દર્ય પાછું મેળવી આપવાનું કામ કોન્ઝર્વેશન આર્કિટેક આભા લાંબાના સહયોગથી શરૂ કર્યું છે. શાયના એન.સી.એ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક રેલવે સ્ટેશનનું સૌન્દર્ય પાછું મેળવી આપવાનું કામ સાવચેતીપૂર્વક કરવામાં આવશે.
રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, ભાયખલા સ્ટેશનના સૌન્દર્યને પાછું મેળવી આપવાના પ્રકલ્પમાં તેની દીવાલો ઉપરના ડાઘ દૂર કરવા, નુકસાન પામેલા દરવાજા અને બારીઓને બદલવી તેમ જ ટેલિફોનના લગાડવામાં આવેલા વાયરો હટાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer