હાફિઝ સઈદની ધરપકડનું નાટક ન ચાલે, નક્કર પગલાં લો અમેરિકા

હાફિઝ સઈદની ધરપકડનું નાટક ન ચાલે, નક્કર પગલાં લો અમેરિકા
વોશિંગ્ટન, તા. 20 : 2001ના ભારતની સંસદ ઉપરના હુમલાના અને 2008ના મુંબઇ ઉપરના હુમલાના માસ્ટર માઇન્ડ ત્રાસવાદી હાફિઝ મહમ્મદ સઈદની ધરપકડ કરવાના પાકિસ્તાનના ઇરાદા અંગે ટ્રમ્પ વહીવટી તંત્રે શંકાઓ દર્શાવતા જણાવ્યું હતું કે, હાફિઝની આ અગાઉ થયેલી ધરપકડો ન તો તેની પદ્ધતિમાં કે ન તો તેની સંસ્થા લશ્કર-એ-તૈબાની પ્રવૃત્તિમાં કાંઇ જ ફેર નહોતો પાડયો.
આવતા સપ્તાહે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અમેરિકાની મુલાકાતે આવે તે પહેલા ટ્રમ્પ વહીવટી તંત્રના એક વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે અમે આવું ભુતકાળમાં થતું જોયું છે અને અમે મજબુત અને ટકાઉ પગલાની રાહ જોઇએ છીએ.
ભારતે પણ એવો પ્રત્યાઘાત આપ્યો છે કે પાકિસ્તાન છેક 2001થી આવું નાટક કરી રહેલ છે. યુનોએ જેમને ત્રાસવાદી જાહેર કર્યો છે તે હાફિઝ સઇદ 2001ના ડીસેમ્બરથી આ સાતમી વખત પકડાયો છે. 2001ના ડિસેમ્બરમાં ભારતની સંસદ ઉપરના હુમલા પછી તરત જ તેને પકડી લેવાયો હતો. 
અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલામાં ભુતકાળ અંગે અમે બહુ સ્પષ્ટ છીએ. આવા ત્રાસવાદી જુથોને પાકિસ્તાનનું મીલીટરી ઇન્ટેલીજન્સ જે ટેકો આપે છે તે અંગે અમે કોઇ જ ભ્રાંતિમાં નથી. એટલે અમે નક્કર પગલાની રાહ જોઇશું. હાફીઝની આ સાતમી વખત ધરપકડ થઇ છે તેથી જ અમે જ્યારે તેની ધરપકડ થાય ત્યારે એકદમ ચોક્કસ અને વાસ્તવદર્શી ચિત્ર જોવા માંગીએ છીએ. આવા લોકો સામે કાયદા અનુસાર કામ ચલાવવા પાકિસ્તાને નક્કર પગલાં લેવા જોઇએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer