સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં

સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં
ચીનની ચેન યૂફીને સીધી ગેમમાં હરાવી

નવી દિલ્હી, તા. 20: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા એકલ વર્ગના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ સેમિફાઇનલમાં ચીનની ચેન યુફીને સીધી ગેમમાં 21-19 અને 21-10થી હરાવી હતી. ચાલુ વર્ષનો આ પહેલો મોકો છે જેમાં સિંધુએ કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જકાર્તામાં ચાલી રહેલી ટુર્નામેન્ટના ફાઇનલમાં સિંધુનો સામનો જાપાનની અકાને યામાગુચી સામે થશે. જેની સામે સિંધુનો 10-4નો રેકોર્ડ છે. યામાગુચીએ એક અન્ય સેમિફાઇનલમાં ચીની તાઇપેની તાઈ જૂ યિંગને 32 મિનિટમાં 21-9, 21-15થી હરાવી હતી. જ્યારે 46 મિનિટ ચાલેલા સિંધુ અને યૂફીના મુકાબલામાં સિંધુ માટે પહેલી ગેમ મુશ્કેલ રહી હતી પરંતુ પાછળ રહી ગયા બાદ વાપસી કરી હતી. આ ગેમ 26 મિનિટમાં 21-19થી પોતાનાં નામે કરી હતી. બીજી ગેમમાં સિંધુએ માત્ર 20 મિનિટમાં જીત મેળવી હતી. આ અગાઉ સિંધુએ જાપાનની નેજોમી ઓકુહારાને 21-14, 21-7થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer