ભારતમાં શરિયા લાગુ કરવાનું ષડયંત્ર

આતંકવાદી સંગઠનનો ભાંડાફોડ
 
અલકાયદા અને આઈએસ સંબંધિત અન્સારુલ્લાનો પર્દાફાશ : એનઆઈએએ તામિલનાડુમાં પાડયા 16 દરોડા
ચૈન્નઈ, તા. 20 : ભારત સરકાર સામે યુદ્ધનું ષડયંત્ર ઘડી રહેલા આતંકવાદી સંગઠન અન્સારુલ્લાના તમિલનાડુ સ્થિત 16 સ્થળોએ એનઆઈએ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મોટી સંખ્યામાં વાંધાજનક સામગ્રી મળી આવી છે. એનઆઈએએ થોડા દિવસ અગાઉ અંસારુલ્લાથી જોડાયેલા 14 સંદિગ્ધ શખસની ધરપકડ કરી હતી. આ લોકોને સાઉદી અરબથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. એનઆઈએના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદા અને આઈએસ સંબંધિત અંસારુલ્લાના ઈરાદા ખૂબ જ ખતરનાક છે અને તે ભારતને ઈસ્લામિક સ્ટેટમાં તબદીલ કરીને શરિયા લાગુ કરવા ઈચ્છતું હતું. 
એનઆઈએના કહેવા પ્રમાણે અંસારુલ્લા ભારતમાં મોટા પાયે આતંકવાદી હુમલાનું ષડયંત્ર ઘડી રહ્યું હતું. કોઈ એક રાજ્યમાં કટ્ટરપંથી ઈસ્લામિક વિચારધારાને પ્રોત્સાહન આપવાના મામલામાં થયેલા મોટા ખુલાસામાં અંસારુલ્લાનો ભાંડાફોડ સામેલ છે. અંસારુલ્લા સાથે જોડાયેલા લોકો યુરોપની જેમ ભારતમાં પણ ચાકૂ, વાહનોથી લોકોને કચડવા અને ઝેર આપીને હત્યા કરવા જેવા ષડયંત્રો બનાવી રહ્યા હતા. અંસારુલ્લાનો અર્થ થાય છે અલ્લાહના સમર્થક. એનઆઈએના એક અધિકારીના કહેવા પ્રમાણે અંસારુલ્લાનો ઈરાદો ભારતના લોકતાંત્રિક સંસ્થાનો ઉપર આતંકી હુમલો કરીને દેશમાં શરિયા લાગુ કરવાનો હતો.
 અંસારુલ્લા યમનના આતંકી સંગઠન અંસારુલ્લા સાથે જોડાયેલું છે. યમનનું સંગઠન હૂતી વિદ્રોહીઓના નામે પણ જાણીતું છે.  હૂતીઓ ઉપર સેંકડો લોકોની હત્યાનો આરોપ છે. એનઆઈએ તરફથી દાખલ કરવામાં આવેલા કેસ પ્રમાણે સંદિગ્ધ આતંકી ચૈન્નઈ અને નાથપટ્ટિનમ જિલ્લાના રહેવાસી છે. અંસારરુલ્લા સંગઠન ભારતમાં વાહદત-એ-ઈસ્લામ, જિહાદિસ્ટ ઈસ્લામિક યુનિટ અને વહાદત-એ-ઈસ્લામ અલ જિહાદિયા નામથી પણ સક્રિય છે.  સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે અંસારુલ્લાના લોકો શ્રીલંકાના આતંકીઓ સાથે પણ સંપર્કમાં હોય શકે છે અને તેના તાર સીમી સાથે પણ જોડાયેલા હોવાની આશંકા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer