પાંચ હજાર કરોડના હેરોઈન રેકેટનો પર્દાફાશ પાંચની ધરપકડ

પ્રવાહી હેરોઈનમાં પલાળેલી બોરી ભારતમાં લાવી દિલ્હીની ફેક્ટરીમાં હેરોઈન અલગ કરાતું હતું 

નવી દિલ્હી, તા. 20 : દિલ્હીમાં નશાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે અને તેનો વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં સ્પેશિયલ સેલે દિલ્હીમાં ચાલી રહેલી હેરોઈનની એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીની લીંક તાલીબાન સાથે જોડાયેલી છે. દરોડામાં 600 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જે દિલ્હીની અત્યારસુધીની સૌથી મોટી ખેપ છે. સ્પેશિયલ સેલના કહેવા પ્રમાણે આ રેકેટમાં અત્યારસુધીમાં ભારતમાં 5000 કરોડ રૂપિયા સુધીનું હેરાઈન લાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે હેરોઈનને ખાલી બોરિમાં અફઘાનિસ્તાનથી દિલ્હી લાવવામાં આવતું હતું. આ દરોડામાં કુલ પાંચ શખસની ધરપકડ કરવામાં આવી છે.  
અફઘાનિસ્તાનથી દિલ્હી આવતા જીરાની બોરીઓમાં હેરોઈન પહોંચતું હતું. આ બોરીને પ્રવાહી હેરાઈનમાં પલાળવામાં આવતું હતું અને ત્યારબાદ તેમાં જીરૂ ભરીને રવાના કરી દેવામાં આવતી હતી. દિલ્હી પહોંચ્યા બાદ બોરીને એક ખાસ કેમિકલમાં ફરી ડૂબાડીને તેના રેશામાં ચોંટેલા હેરોઈનને અલગ કરી પાવડરનું રૂપ અપાતું હતું. ત્યારબાદ બોરીને સળગાવી દેવામાં આવતી હતી. એક બોરીમાંથી ઓછામાં ઓછુ એક કિલો હેરોઈન મળી આવતું હતું. જેનાથી ખાલી બોરીની કિંમત 4 કરોડ રૂપિયા થતી હતી. 
પોલીસના 120 દિવસ ચાલેલા ઓપરેશન બાદ આ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસના કહેવા પ્રમાણે પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ડ્રગ તસ્કરોની સિન્ડીકેટ હેરોઈનમાં પલાળેલા બોરી બનાવવાના રેશાઓને જલાલાબાદથી પીઓકેમાં બોરીઓ મોકલતા હતા. ત્યારબાદ તેની બોરી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ તેમાં મસાલો અને અન્ય સામાન ભરીને દિલ્હીના વેપારીઓને પહોંચાડવામાં આવતી હતી. બોરી ખાલી થતા દાણચોરો તેને સાથે લઈ જતા હતા અને તેમાંથી હેરોઈન અલગ કરતા હતા. આ મામલે કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે અફઘાની છે. વધુમાં ચાર લક્ઝરી કાર, બે પિસ્તોલ અને 20 જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer