વરસાદની ચિંતા ન કરો અમે નર્મદા નીરથી ડેમો ભરી દઈશું

રાજકોટ, તા.20:  `આ વર્ષે વરસાદ ખેંચાયો તે ખૂબ જ ચિંતાજનક બાબત છે પરંતુ વરસાદની ચિંતા કરશો નહીં અમે નર્મદાથી ડેમો ભરી દઈશું' તેવો ભરોસો આજરોજ શહેરમા રૂ.222.6 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટવાસીઓને આપ્યો હતો.
ન્યુ રાજકોટમાં વોર્ડ નં.9માં પેરેડાઈઝ હોલની સામે મ્યુનિ.તંત્ર દ્વારા રૂ.5.27 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન લાઈબ્રેરીના લોકાર્પણ બાદ મીડિયાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમે 500 કિ.મી દૂરથી પાણી લાવીનેં નળમાં આપીએ છીએ અને હજુ આપતા રહીશું. સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ન મળ્યાં હોત તો સૌરાષ્ટ્રને હિજરત કરવી પડે તેવી સ્થિતી સર્જાઈ હોત પરંતુ સજાગ સરકારને લીધે એવું બન્યું નથી. અદ્યતન લાઈબ્રેરીનું બાબૂભાઈ વૈધ નામકરણ કરવાની સાથે તેમણે ઉમેર્યુ હતું કે, આજના સમયમાં માણસનો સાચો મિત્ર પુસ્તક છે. વાંચનથી માણસ પોતાની કારકિર્દીની દિશા નક્કી કરી શકે છે. આ લાઈબ્રેરીનુ નામ બાબુભાઈ વૈદ્ય રાખવામાં આવ્યું છે. બાબુભાઈ 60ના દાયકામાં શિક્ષકોના માગદર્શક અને પ્રખર સાહિત્યકાર હતાં. મવડી ચોકડી બ્રિજનું અટલ બિહારી બાજપેઈ નામકરણ કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને રૂ.17.12 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યુ હતુ. જેમાં લાયબ્રેરી ઉપરાંત રૂ.80 લાખના ખર્ચે તૈયાર થયેલી સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.49, રૂ.75 લાખના ખર્ચે તૈયાર થયેલી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.88ના બિલ્ડીંગનું લોકાર્પણ સામેલ છે. આ ઉપરાંત રૂ.8.51 કરોડના ખર્ચે નિર્માણ પામનારા કોમ્યુનિટી હોલ, રૂ.139 લાખના ખર્ચે નિર્માણ પામનારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને રૂ.42.07 લાખના ખર્ચે તૈયાર જે.જે.પાઠક શાળા નં.19ના નવા બિલ્ડીંગના ખાતમૂહૂર્તનો સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer