વરુણદેવે વિરામ બાદ વહાલ વરસાવ્યું સૌરાષ્ટ્રમાં અડધાથી ત્રણ ઈંચ વરસાદ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.20 : લાંબા વિરામ બાદ આખરે આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરૂણદેવે વ્હાલ વરસાવ્યું હતું. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખુશીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ તરફથી અમદાવાદ માટે પણ હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે.
મોરબી શહેરમાં આજે હળવા ઝાપટા વરસ્યા હતા, જ્યારે માળીયા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે ઝાપટા સ્વરૂપે મેઘમહેર થઈ હતી. નાની મોણપરીમાં સાંજે દોઢ કલાકમાં 32 મી.મી. વરસાદ વરસ્યો હતો. જામજોધપુર તાલુકાના બાલવા ગામે એક કલાકમાં 2.5 ઈંચ અને જામજોધપુરમાં સવા બે ઈંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. જ્યારે કાલાવડ અને ધ્રોલમાં હળવા ઝાપટા પડયાં હતા. જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામે અડધી કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. વિંછીયામાં સાંજે માત્ર વરસાદી ઝાપટુ પડયું હતુ. બોટાદમાં સાંજે એક કલાકમાં 27 મી.મી. તથા બરવાળામાં 6 મી.મી. અને ગઢડામાં 1 મી.મી. વરસાદ પડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer