કૉટન યાર્નની નિકાસ 22 ટકા ઘટી સ્પિનિંગ મિલો આંશિક બંધ

મુંબઈ, તા. 20: ભારતમાંથી કોટન યાર્નની નિકાસ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 22 ટકા જેટલી માતબર પ્રમાણમાં ઘટી છે. વૈશ્વિક મંદ માગ અને સ્થાનિકમાં રૂના ઊંચા ભાવથી આ સ્થિતિ સર્જાઈ છે. ચીન અને બાંગલાદેશની માગ ઘટવાથી અને અત્રે યાર્નનો ભરાવો થવાથી ભારતની કોટન સ્પિનિંગ મિલો આંશિક બંધ રહેવા લાગી છે. ધી કોટન ટેક્સ્ટાઈલ્સ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (ટૅક્સપ્રોસીલ)ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ડૉ. સિદ્ધાર્થ રાજગોપાલે જણાવ્યું હતું કે ચીનમાં જીડીપી વિકાસદર ઘટયો છે અને બાંગલાદેશ સહિતની મુખ્ય કોટન માર્કેટોમાં મંદીજન્ય પ્રવાહો પ્રવર્તે છે. 
બીજું, ચીનને પાકિસ્તાન અને વિયેતનામ જેવી ડયૂટી-ફ્રી માર્કેટોમાં પ્રવેશ મળતો હોવાથી ભારતીય કોટન યાર્ન ઉત્પાદકો વૈશ્વિક વેપારનો હિસ્સો ગુમાવી રહ્યા છે. ભારત એ વિશ્વનો કોટન યાર્નનો સૌથી મોટો નિકાસકાર દેશ ગણાય છે. તે ચીન, બાંગલાદેશ, પાકિસ્તાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા જેવા મુખ્ય બજારો ધરાવે છે. 2018-19માં ભારતની કુલ યાર્ન નિકાસનો ત્રીજા ભાગનો હિસ્સો ચીને ખરીદી લીધો હતો. ગત વર્ષે વિયેતનામ ખાતેની નિકાસ 72 ટકા વધી હતી.
સાઉથ ઇન્ડિયન મિલ્સ ઍસોસિયેશને જણાવ્યું હતું કે 60 ટકા યાર્ન મિલો લઘુ અને મધ્યમ કદની છે. તેમણે યાર્નના ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. અમુક સ્પિનિંગ મિલોએ વર્કિંગ દિવસો ઘટાડયા છે. અમુક મિલોએ ત્રણ પાળીની જગ્યાએ બે પાળી કરી નાખી છે.
નોર્ધન ઇન્ડિયા ટેક્સ્ટાઈલ મિલ્સ ઍસોસિયેશને જણાવ્યું છે કે ઉત્તરની લગભગ 50 ટકા મિલોને વિપરીત અસર થઈ છે. અમુક મિલોએ ઉત્પાદન બંધ કરી દીધું છે. નવા ઓર્ડરો આવતા નથી. જેમના હાથમાં ઓર્ડરો નથી તેઓ ઉત્પાદન બંધ કરી દે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer