જાદુટોણાં કરનારી ગુરુમાની ધરપકડ

મહિલા પાસેથી 13 લાખ પડાવ્યા

મુંબઈ, તા. 20 : લગભગ 12 વર્ષની તપ-સાધના બાદ પોતે સાંઇબાબાનો સીધો સંપર્ક કરી શકતી હોવાનું જણાવી જાદુટોણાં દ્વારા છેતરપિંડી કરવાના આરોપ હેઠળ કિરણ દારૂવાલ ઉર્ફે ગુરુમાની ના.મ. જોશી માર્ગ પોલીસે ગુરુવારે રાત્રે ધરપકડ કરી હતી. જાદુટોણાંની વિધિ દરમિયાન તેણે અશ્લીલ વર્તન કર્યાનો પણ તેના પર આરોપ છે.
ફરિયાદી મહિલા લોઅર પરેલમાં પોતાના પરિવાર સાથે રહે છે તે ઉચ્ચશિક્ષિત છે. ઘરમાં વધતો કલહ, પતિની નોકરીમાં અડચણ વગેરે કારણથી નિરાશ આ મહિલા 2016માં તેની એક સહેલી મારફત ગુરુમાના સંપર્કમાં આવી હતી, જે ચિંચપોકલીના બાવલા કમ્પાઉન્ડ પરિસરમાં રહે છે.
પોતાને 12 વર્ષની કડી સાધના કર્યા બાદ દૈવીશક્તિ પ્રાપ્ત થઈ હોવાનો દાવો કરી ગુરુમાએ આ મહિલાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો અને તેની પાસેથી તાંત્રિક વિધિના નામે મોટી મોટી રકમ પડાવવાનું શરૂ કર્યું હતું.
ધીમે ધીમે ગુરુમા મહિલા પાસેથી ઘરેણાં, ભેટવસ્તુ વગેરે પણ લેવા લાગી હતી. આ રીતે તેણે મહિલા પાસેથી લગભગ 13 લાખ રૂપિયા પડાવ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer