11 વર્ષનો કિશોર બટનબેટરી ગળી ગયો

અટપટા અૉપરેશન બાદ ફેફસાંમાંથી એ બહાર કાઢવામાં આવી

મુંબઈ, તા. 20 : 11 વર્ષીય કિશોરનાં ફેફસાંમાં ઘડિયાળની બેટરી અટકી ગઈ હતી, પણ ડૉક્ટરોએ તેના પર સફળ શત્રક્રિયા કરીને તે બહાર કાઢી છે. ઘરમાં રમતી વખતે કિશોરનાં ફેફસાંમાં ડિજિટલ ઘડિયાળનો સેલ અટકી ગયો હતો. થોડીક વારમાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં માતા-પિતાએ તાત્કાલિક રવિવારે રાત્રે તેને જસલોક હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો અને સોમવારે સફળ શત્રક્રિયા કરવામાં આવી હતી. 
કિશોરને રવિવારે રાત્રે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને ઉધરસ આવતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરોને એક્સ-રે દ્વારા ખબર પડી હતી કે ફેફસાંમાં સેલ ફસાઈ ગયો છે. બેટરી અત્યંત જોખમી હોય છે અને તેમાં વિવિધ ઝેરી પદાર્થો હોય છે. કિશોરનાં ફેફસાંમાં આ સેલ લીક થઇ ગયો હતો અને તેમાંથી એસિડ બહાર આવીને બીજા ભાગમાં પ્રસરવા લાગ્યું હતું. તેને કારણે અન્નનળીમાં બળતરા થવા લાગી હતી. યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તેનો જીવ જોખમમાં હતો. તેમ જ કિશોરને ન્યુમોનિયા થવાની પણ શક્યતા હતી. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક શત્રક્રિયા કરવામાં આવી હતી. 
કિશોર ફક્ત અગિયાર વર્ષનો હોવાથી તેના પર શત્રક્રિયા કરવી એ ડૉક્ટરો માટે પડકારજનક હતું. અટપટી શત્રક્રિયા કરીને આખરે કિશોરના ફેફસાંમાંથી સેલ બહાર કાઢવામાં આવ્યો હતો અને ફેફસાં ખુલ્લાં કરવામાં આવ્યાં હતાં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer