મુકેશ અંબાણીએ સતત 11મા વર્ષે પોતાનું વેતન

રૂ.15 કરોડ સુધી જ સીમિત રાખ્યું

નવી દિલ્હી, તા.20: દેશના સૌથી શ્રીમંત નાગરિક મુકેશ અંબાણીએ તેની મુખ્ય ફલેગશીપ કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સતત 11મા વર્ષે પોતાનું વેતન રૂ.15 કરોડ સુધી મર્યાદિત રાખ્યું હતું. તેમણે છેક 2008-09ના વર્ષથી તેમણે પોતાના પગાર, લાભો, ભથ્થા અને કમિશનો એમ બધુ મળીને વર્ષે રૂ.15 કરોડ સુધી મર્યાદિત રાખ્યું અને વર્ષે રૂ.24 કરોડના વેતનને જતું કર્યુ છે.
આ નિર્ણય તેમણે એવા સમયે કર્યો છે કે 31 માર્ચે 2019ના રોજ પુરા થતાં વર્ષ માટે તેમના પિતરાઇ નીખિલ અને હેતલ મેસવાણી સહિત તમામ હોલ ટાઇમ ડીરેકટરોના વેતનમાં ખૂબ જ વધારો થયો છે.
આરઆઇએલે તેના છેલ્લા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે કંપનીનાં ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર શ્રી મુકેશ અંબાણીએ મેનેજેરીયલ કમ્પેન્સેશન લેવલમાં ઉદારતાનો અંગત દાખલો બેસાડીને પોતાનું વેતન વર્ષે રૂ.15 કરોડનું જ રાખવા નિર્ણય લીધો છે.
2018-19માં તેમનો પગાર વર્ષે રૂ.4.45 કરોડ હતો જેમાં વેતન અને ભથ્થાનો સમાવેશ થાય છે, જે તેમને 2017-18 માં મળેલ રૂ.4.49 કરોડ કરતા થોડો ઓછો છે જ્યારે તેમને મળતું કમિશન યથાવત રૂ.9.53 કરોડ જાળવી રખાયું છે જ્યારે અન્ય સભ્યો રૂ.20 લાખમાંથી વધારીને રૂ.31 લાખ કરવામાં આવ્યા છે, નિવૃત્તિ લાભો રૂ.71 લાખના છે.
મુકેશ અંબાણીના પિતરાઇ નિખીલ આર. મેસવાણી અને હેતલ આર. મેસવાણીના બન્નેના વેતન વધીને વર્ષે રૂ.20.57 કરોડના થયા છે. કંપનીના એકઝેકયુટીવ ડીરેકટર પી.એમ.એસ. પ્રસાદનું વેતન રૂ.8.99 કરોડથી વધીને રૂ.10.01 કરોડ થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer