ડોંગરી મકાન હોનારત હજી વધુ અધિકારીનાં માથાં વઢાશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ડોંગરીની ગેરકાયદે ઇમારતોના મુદ્દે બીએમસીની કાર્યવાહી બી વોર્ડના વડાને સસ્પેન્ડ કરવા સુધી જ મર્યાદિત નહીં રહે પરંતુ વોર્ડ સ્તરના અન્ય અધિકારીઓ ખાસ કરીને આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડિઝાઇનેટેડ અૉફિસર (ડીઓ) અને કદાચ તેમના પુરોગામીઓ સામે પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વોર્ડ સ્તરના સ્ટાફ સાથે વિજિલન્સ અધિકારીએ બી વોર્ડનાં કેટલાંક બિલ્ડિંગોનું ચક્ષુગમ્ય ઇન્સ્પેક્શન કર્યું હતું. અને વિગતવાર તપાસ હાથ ધરવા વધુ સમયની માગણી કરતો અહેવાલ સુધરાઈ કમિશનરને સોંપ્યો હતો એમ બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક કાર્યવાહીમાં બી વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વિવેક રાહીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વિગતવાર કાર્યવાહીના ભાગરૂપે આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડીઓનાં નામ પણ આ કાર્યવાહીમાં સામેલ થઈ શકે છે.
`અમને એવી ખબર પડી છે કે, થોડા મહિના પહેલાં ડીઓએ ચાર્જ સંભાળ્યો હતો એમ અગાઉ કોણ કોણ ડીઓ હતા તેનો અને તેમની મુદત દરમિયાન ગેરકાયદે બાંધકામો થયાં હતાં કે નહીં તેનો રેકર્ડ અમે તપાસી રહ્યા છીએ.' એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
રાહીને સસ્પેન્ડ કર્યા બાદ તેમનો ચાર્જ શુક્રવારે વિનાયક વિસપુતેને સોંપવામાં આવ્યો હતો. તેઓ સી વોર્ડના મદદનીશ મ્યુનિસિપલ કમિશનર છે. ગેરકાયદે બિલ્ડિંગો સામે સખત કાર્યવાહી શરૂ કરવાનો તેમને આદેશ આપવામાં આવ્યો છે.
મંગળવારે ડોંગરીનું કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. જેમાં 13 જણ મોતને ભેટ્યા હતા. આ હોનારત બાદ બીએમસી સફાળી જાગી હતી અને તેઓએ આ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer