અલ-નિનો ઓસરે છે, વરસાદ આવશે

અલ-નિનો ઓસરે છે, વરસાદ આવશે
ચોમાસાના ઉત્તરાર્ધમાં સિસ્ટમ વિખેરાતાં વરસાદ વધશે : જોકે જુલાઈમાં વરસાદની સ્થિતિ કપરી રહેશે

નવી દિલ્હી.તા.13 : ચોમાસાને એક મહિને વિતી ગયો છે છતાં મોટાંભાગના રાજ્યોમાં વરસાદની ખાધ છે. ગુજરાતમાં દક્ષિણ સિવાય ક્યાંય વરસાદ નથી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તો કોરાકટ્ટ છે. ઓછાં વરસાદ માટે અલ-નિનો સિસ્ટમનો દોષ છે. છતાં હવે ચિંતાના વાદળો હટીને વરસાદના વાદળો બંધાય એવા સંકેતો મળ્યા છે. અલ-નિનોની સ્થિતિ છેલ્લાં એક મહિનાથી નબળી પડી રહી છે અને હવે એકાદ મહિનામાં સંપુર્ણપણે વિખેરાઇ જાય તેમ છે. એ જોતા વરસાદ નથી ત્યાં ચોમાસાના બીજા  ભાગમાં વરસાદ પડશે તેવું અમેરિકી હવામાન એજન્સીઓએ કહ્યું છે.
અલ-નિનોની પેટર્ન ભારતીય ચોમાસા ઉપર સીધી અસર કરે છે. મધ્યપૂર્વના વિષુવવૃતિય પ્રશાંત મહાસાગરની દરિયાઇ સપાટી ઉપર સર્જાતા ગરમ હવામાનને અલનીનો કહેવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગે પણ જૂન મહિનામાં અલનીનોથી જૂન મહિનાનો વરસાદ પ્રભાવિત થશે તેમ કહ્યું હતુ. જૂન મહિનો વરસાદની 3 ટકા ખાધ સાથે પૂરો થઇ ગયો છે.  હજુ ગયા મહિના સુધી એવી આગાહી હતી કે અલનીનો સમગ્ર ચોમાસા દરમિયાન અર્થાત સપ્ટેમ્બર મહિનાના અંત સુધી કે પછી પણ રહેશે. જોકે તાજા જાણકારી પ્રમાણે હવે આ સિસ્ટમ નાટકિય રીતે નબળી પડવા લાગી છે. ગયા મહિનાથી જ જોર ઘટવા લાગ્યું છે. હવે અલનીનો સિસ્ટમમાંથી ઇએનએસઓ અર્થઆત સામાન્ય સ્થિતિ મહિના કે બે મહિનામાં રચાઇ જશે. 
ભારતીય મોસમ વિભાગ કહે છે, અલનીનોનો કાળમુખી પડછાયો ચોમાસા ઉપરથી હવે ધીરે ધીરે હટી રહ્યો છે. હવે સારાં વરસાદના એંધાણ છે. છતાં હજુ અલનીનોની અસર સંપુર્ણપણે જતી રહે તેમ નથી. અસર હળવી થાય તો પણ ભારતમાં વરસાદના સારાં સંયોગો રહેશે. જોકે કેટલાક હવામાન શાત્રીઓ કહે છે, અલનીનો હળવું થતા ચોમાસું સારું જાય એની કોઇ ગેરંટી નથી. કારણકે ચોમાસા ઉપર અન્ય ઘણા પરિબળો અસર કરતા હોય છે. જૂન અને જુલાઇના અલનીનોની સ્થિતિમાં નાટકિય વળાંક આવ્યો છે એ આશ્ચર્ય પમાડે તેવો છે. જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસા માટે સંજોગો સાનુકૂળ બની રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer