આસામમાં પૂરની સ્થિતિ ગંભીર 14 લાખને અસર

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર 14 લાખને અસર
ગુવાહાટી,તા. 13 : આસામમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાયેલી છે. ભારે વરસાદ બાદ પુરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વરસાદ અને પુરના કારણે સાત લોકોના મોત થઈ ચુક્યા છે. સાત હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. પુરથી રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 21 જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આ પુરથી રાજ્યમાં 14 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. 1156 જેટલા ગામોમાં રહેતા આઠ લાખથી વધુ લોકોને અસર થઈ છે. રાજ્ય સરકાર બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. ઘર છોડી દીધેલા લોકોને રાહત કેમ્પોમાં મોકલવામાં આવ્યા છે. પુરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર નીકળી જવા માટે અપીલ કરવામાં આવી છે. 
પુરથી રાજ્યમાં 7600 લોકો રાહત કેમ્પમાં હાલ રહે છે. તમામ લોકોને 68 રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ભારે વરસાદ બાદ ઉભી થયેલી પુરની સ્થિતિના કારણે 27864 હેક્ટર પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. આસામમાં પુરની સ્થિતી આંશિક રીતે હળવી બનતા બચાવ અને રાહત કામગીરી વધારે ઝડપી કરવામાં આવી રહી છે. લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ તંત્ર સામે હવે રોગચાળાને રોકવા માટે મોટો પડકાર રહેલો છે. કારણ કે નીચાણવાળા વિસ્તારમાં પાણી રહેલા છે. અસરગ્રસ્ત જિલ્લાની સંખ્યા 11થી વધીને 21 ઉપર પહોંચી ગઇ છે. નવેસરના અનેક વિસ્તારો પુરના સકંજામાં આવી ગયા હોવા છતાં કોઇ ખુવારી થઇ રહી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer