બાર વર્ષનો કિશોર કોસ્ટલ રોડ માટે ખોદેલા ખાડામાં પડી મરણ પામ્યો
મુંબઈ, તા. 13 : પ્રશાસનની બેજવાબદારી અને બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો છે. શનિવારે કોસ્ટલ રોડ માટે વરલીમાં સમુદ્રકાંઠા નજીક ખોદેલા ખાડામાં બાર વર્ષનો બાળક પડતાં મરણ પામ્યો હતો. ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરે 1.20 કલાકે બબલુકુમાર પાસવાન નામનો છોકરો ખાડામાં પડતાં ડૂબી ગયો હતો. કોસ્ટલ રોડ પાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં મરીન લાઈન્સને કાંદિવલી સાથે આઠ લાઈનના લેન વડે જોડવામાં આવશે.
છોકરો ખાડામાં કેવી રીતે પડી ગયો એની તપાસ કરાશે.
અગાઉ ગોરેગામમાં ખુલ્લી ગટરમાં ત્રણ વર્ષનું બાળક પડી ગયું હતું. 48 કલાકની શોધખોળ બાદ બાળકનો પત્તો ન લાગતા એની શોધખોળ ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે પડતી મૂકી હતી.
બે વર્ષ અગાઉ ડૉક્ટર દીપક અમરાપુરકર ખુલ્લી ગટરમાં પડી જતાં મરણ પામ્યા હતા. તેમનો મૃતદેહ બે કિલોમીટર દૂર મળ્યો હતો. વિરોધ પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કહ્યું હતું કે શિવસેનાએ આનું શ્રેય લેવું જોઈએ.
તંત્રની બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો
