મધ્ય રેલવેમાં 21 કરોડનાં નવાં ઈન્ડિકેટર્સની મોકાણ

મધ્ય રેલવેમાં 21 કરોડનાં નવાં ઈન્ડિકેટર્સની મોકાણ
પ્રવાસીઓને દૂરથી અક્ષર વંચાતા નથી

મુંબઈ, તા. 13 : મધ્ય રેલવેનાં વિવિધ સ્ટેશનોનાં પ્લેટફોર્મ પર લગાડેલાં નવાં ઈન્ડિકેટર `પ્રવાસી ફ્રેન્ડલી' ન હોવાની ફરિયાદ ઊડી છે. આ ઈન્ડિકેટર થોડા લાંબા અંતરથી વંચાતાં નથી પરિણામે પ્રવાસીઓને ટ્રેન પકડવા એક પ્લેટફોર્મ પરથી બીજા પર ભાગવું પડે છે. એવો પ્રશ્ન ઊભો થાય છે કે 21 કરોડ રૂપિયામાં આ ઈન્ડિકેટર પાછળનો ખર્ચ પાણીમાં તો નથી ગયો ને? નવાં ઈન્ડિકેટર્સમાં અક્ષર નાના છે પરિણામે આ મોકાણ ઊભી થઈ છે.
નવાં ઈન્ડિકેટર્સમાં મધ્ય રેલવેએ અક્ષરો અને આંકડાનું કદ તો નાનું કરી જ નાંખ્યું છે એ સાથે તેનો રંગ જે લાલ હતો અને દૂરથી સહેલાઈથી વાંચી શકાતો હતો તેને બદલે સફેદ કે પીળો રંગ કરવામાં આવ્યો છે. આથી તમે ઈન્ડિકેટર નજીક ઊભા હો તો જ તે બરાબર વાંચી શકાય છે.
સેંકડો પ્રવાસીઓ સામાન્ય રીતે ફુટઓવર બ્રીજ પરથી ઈન્ડિકેટર જોઈને પછી તેમની ઈચ્છિત ટ્રેન પકડવા પ્લેટફોર્મ પર ઊભા હોય છે, પરંતુ નવા ઈન્ડિકેટરના અક્ષરો એફઓબી પરથી પણ વાંચી શકાતા નથી.
શહેરના અગ્રણી અંગ્રેજી અખબાર `મુંબઈ મિરર'ના અહેવાલ અનુસાર શુક્રવારે જે જે હૉસ્પિટલના ચક્ષુરોગ નિષ્ણાત ડૉ. રામન્ના ચલવાડી અખબારના સંવાદદાતાઓ સાથે છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસએમટી) ખાતે ગયા હતા અને તેમણે ઈન્ડિકેટર જોયા બાદ જણાવ્યું હતું કે સામાન્ય દૃષ્ટિ ધરાવતા પ્રવાસી પણ સ્ટેશનના ફુટ ઓવર બ્રિજ પરથી ઈન્ડિકેટર વાંચી શકે એમ નથી.
તેમણે હ્યું હતું કે જો પ્રવાસીને ઈન્ડિકેટર વાંચવું હોય તો તે તેનાથી 60 પગલાંની અંદર હોવું જોઈએ. જ્યારે સીએસએમટી ખાતે ફુટઓવર બ્રિજ અને તેની સૌથી નજીકનું ઈન્ડિકેટર 80 પગલાં દૂર છે.
મધ્ય રેલવેએ 21 કરોડ રૂપિયાની યોજના હેઠળ 32 સ્ટેશનોનાં ઈન્ડિકેટર બદલી લીધાં છે. ઈન્ડિકેટર પર જ્યારે ફાસ્ટ ટ્રેનની માહિતી લખી હોય છે ત્યારે વાંચવાની તકલીફ ઓર વધી જાય, કારણ કે એના પર ફાસ્ટ ટ્રેન કયાં કયાં સ્ટેશનોએ ઊભી રહેશે એ પણ લખેલું હોય છે અને ઈન્ડિકેટરની સાઈઝ નાની થઈ ગઈ હોવાથી સ્ટેશનોનાં નામ વાંચવા પણ મુશ્કેલી પડે છે.
કલ્યાણના રવીન્દ્ર આલિયત, થાણેનાં અનઘા ધવલીકર, કર્જતના ઉતમ પાટીલ સહિત અનેક પ્રવાસીઓએ પણ ઈન્ડિકેટર દૂરથી વાંચી શકાતું ન  હોવાનું જણાવ્યું છે.
73 વર્ષના વેપારી પ્રવીણ ગારોડિયાએ જણાવ્યું હતું કે જૂનાં ઈન્ડિકેટર હું બરાબર વાંચી શકતો હતો પરંતુ નવાં ઈન્ડિકેટર તો એક `જોક' છે. વરિષ્ઠ નાગરિકોને તેનાથી ઘણી મુશ્કેલી થઈ છે.
મધ્ય રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી અનિલકુમાર જૈને જણાવ્યું હતું કે સીએસએમટી ખાતેના નવાં ઈન્ડિકેટરો અંગે અમને પ્રવાસીઓનું ફીડબેક મળ્યું છે. સીએસએમટી વિશાળ સ્ટેશન હોવાથી હજી  વધુ ઈન્ડિકેટર લગાડવામાં આવશે. અન્ય કોઈ સ્ટેશનની અમને ફરિયાદ મળી નથી.
નવાં ઈન્ડિકેટર એલઈડી બેઝ્ડ છે અને તે ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી જોડાયેલાં છે. તે ડસ્ટ અને મોઈશ્ચર પ્રૂફ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer