વધતી જતી અસહિષ્ણુતા દેશના અર્થતંત્ર માટે હાનિકારક નીવડી શકે
મુંબઈ, તા.13 (પીટીઆઇ) : વધતી જતી અસહિષ્ણુતા, નફરતની ગુનાખોરી તેમ જ લોકોને નૈતિકતાના પાઠ ભણાવવાની પ્રવૃત્તિના કારણે દેશના આર્થિક વિકાસને ગંભીર હાનિ પહોંચી શકે છે, એમ દેશના ટોચના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાંના એક અદી ગોદરેજે જણાવ્યું હતું. આ સાથે જ ગોદરેજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં ન્યૂ ઇન્ડિયાનું વિઝન રાખ્યું અને દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડૉલર સુધી પહોંચાડવા પ્રયાસો આદર્યા તેને વખાણ્યા હતા.
ગોદરેજે કહ્યું હતું કે વડા પ્રધાનના પ્રયાસોનો આપણે આદર કરવો જોઇએ પરંતુ દેશમાં બધું બરાબર નથી. સમાજમાં એવી કેટલીક ઘટનાઓ બની રહી છે જેની અસર દેશના અર્થતંત્રને પણ હાનિ પહોંચાડી રહી છે.
સેન્ટ ઝેવિયર્સ કૉલેજની સ્થાપનાના 150મા વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં બોલતા અદી ગોદરેજે જણાવ્યું હતું કે હાલમાં દેશનું ચિત્ર ફુલગુલાબી નથી. કેટલીક એવી ઘટનાઓ સમાજમાં બની રહી છે જે દેશની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવી રહી છે, તેને અવગણી ન શકાય. આવી ઘટનાઓના કારણે દેશની શાંતિ જોખમાઇ શકે છે અને અર્થતંત્રને પણ હાનિ પહોંચી શકે છે.
ઉદ્યોગપતિ અદી ગોદરેજની ચેતવણી
