વડોદરામાં વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન ઍર કમાન્ડ દ્વારા સેમિનાર

વડોદરામાં વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન ઍર કમાન્ડ દ્વારા સેમિનાર
સુખોઈ-30ના 1.46 કરોડના ઈક્વિપમેન્ટ વાયુસેનાએ માત્ર પાંચ લાખમાં બનાવ્યા 

અમારા પ્રતિનિધિ તરફથી 
 વડોદરા, તા. 13 : ડિફેન્સ સેક્ટર માટે શરૂ કરાયેલા મેઇક ઈન ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે વાયુસેના પોતાના પાઈલટ્સ, એન્જિનિયર્સને પણ ઈનોવેશન્સ માટે પ્રોત્સાહન આપી રહી છે. આજે વાયુસેનાના દરજીપુરા સ્ટેશન ખાતે મેઇક ઈન ઈન્ડિયાના ભાગરૂપે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં વાયુસેનાએ પોતાનાં 35 જેટલાં ઈનોવેશન્સ રજૂ કર્યાં હતાં. આ પૈકી એક ઈનોવેશને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 
વાયુસેનાના રશિયન બનાવટના ખમતીધર ફાઈટર જેટ સુખોઈ-30માં કોઈ પણ મિશનને પાર પાડવા માટે પહેલા ચોક્કસ પ્રકારનો ડેટા ફિડ કરવામાં આવે છે અને આખા મિશન દરમિયાન સતત આ ડેટા રેકર્ડ કરવામાં આવે છે. મિશન બાદ આ ડેટા ફાઈટર જેટમાંથી રિટ્રાઈવ કરવામાં આવે છે અને તેનું બાદમાં એનાલિસિસ કરવામાં આવે છે. આ માટે સુખોઈ-30માં અલગ અલગ પ્રકારનાં 11 જેટલા રશિયન ઈક્વિપમેન્ટ હોય છે. રશિયા આ 11 ઈક્વિપમેન્ટ માટે કુલ 1.46 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ જ 11 ઈક્વિપમેન્ટસ વાયુસેનાના પુણેસ્થિત ફાઈટર પાઈલટ વિંગ કમાન્ડર પ્રવીણ દીક્ષિતે એક કંપનીની મદદ લઈને ઘરઆંગણે બનાવ્યાં છે. જેની કુલ કિંમત માત્ર પાંચ લાખ રૂપિયા થાય છે. 
 લગભગ પાંચ વર્ષની મહેનત બાદ અમે આ 11 ઈક્વિપમેન્ટ્સના સોફ્ટવેરમાં ફેરફાર કરીને તેને જાતે ડિઝાઈન કર્યા છે. એટલું જ નહીં, હવે સુખોઈ-30 વિમાનોમાં તેનો ઉપયોગ પણ શરૂ કરી દેવાયો છે. ઓરિજિનલ રશિયન ઈક્વિપમેન્ટ કરતાં અમે બનાવેલા ઈક્વિપમેન્ટ સાઈઝમાં પણ નાના હોવાથી મિશન પહેલા કે મિશન પૂરું થયા બાદ ડેટા લોડ કરવામાં કે ડેટા રિટ્રાઈવ કરવા માટે મોટા થેલા ઊંચકવામાંથી મુક્તિ મળી છે. વાયુસેનાના કાફલામાં સામેલ બીજા ફાઈટર જેટ્સમાં પણ તેને લગાડવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે.
વાયુસેના માટે જરૂરી પાર્ટસ ભારતમાં બનવા માંડે તો કરોડો રૂપિયાની બચત થશે 
 ડિફેન્સ સેક્ટરમાં મેઇક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળે તે માટે વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા યોજાયેલા સેમિનારમાં વાયુસેનાના અધિકારીઓએ ભારતીય કંપનીઓની શા માટે જરૂર છે તે અંગે માહિતી પૂરી પાડી હતી. 
 તેમણે કહ્યું હતું કે, ભારતને વિમાનોના સ્પેર પાર્ટસ અને ઈક્વિપમેન્ટ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. જેમાંથી મોટા ભાગના પાર્ટસ વિદેશી કંપનીઓ પૂરા પાડે છે. ઉપરાંત કેટલાંક વિમાનો જૂનાં થઈ ગયાં હોવાથી તેના પાર્ટસ મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. જોકે વિદેશી કંપનીઓ જે ભાવે આ પાર્ટસ ભારતને વેચે છે તે જ પાર્ટસ ભારતીય કંપનીઓ ઘરઆંગણે બનાવે તો તેની કિંમત પાંચમા ભાગની થઈ જાય તેમ છે. જેમ કે એક બોલ્ટ ભારતની કંપની 42 રૂપિયામાં બનાવી શકે તે જ બોલ્ટ વિદેશી કંપની પાસેથી ભારતે 200 રૂપિયામાં ખરીદવો પડે છે. 
 આમ વાયુસેનાની જરૂરિયાતના મોટા ભાગના પાર્ટસ ભારતમાં બનતા થઈ જાય તો દેશના કરદાતાઓની કરોડો રૂપિયાની બચત થઈ શકે તેમ છે. જોકે હવે વાયુસેનાનાં વિમાનોમાં વપરાતા રડાર વોર્નિંગ રિસિવર, એરક્રાફ્ટ ટાયર, એવિએશન ગ્રેડ લ્યુબ્રિકન્ટસ, એરક્રાફ્ટ જીપીયુ, પાવર સપ્લાય મોડયુલ્સ જેવા વિવિધ પાર્ટસ ભારતીય કંપનીઓ બનાવી રહી છે. આમ છતાં હજી વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઓછી થઈ નથી. 
 આ સેમિનારમાં વિવિધ કંપનીઓને પણ આમંત્રિત કરાઈ હતી. જેમના પ્રતિનિધિઓને વાયુસેનાની જરૂરિયાતો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત જે કંપનીઓ હાલમાં ડિફેન્સ ઈક્વિપમેન્ટ બનાવે છે તેનું પ્રદર્શન પણ દરજીપુરા ઍરફોર્સ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer