લૉર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે આજે ફાઇનલ વનડે જંગ

લૉર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે આજે ફાઇનલ વનડે જંગ
ઇંગ્લૅન્ડ-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ માટેનો તખતો અંતે તૈયાર : યજમાન ઇંગ્લૅન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપનો તાજ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે : ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ગઇ હોવા છતાંય ચાહકોમાં ઉત્સુકતા 

લોર્ડસ, તા. 13: જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ચાહકો રાહ જોઇ રહ્યા છે તે આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને યજમાન દેશમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કારણ કે જોરદાર દેખાવ કરીને ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી  ગઇ છે. એક વખતે તેના પર વર્લ્ડ કપમાંથી આઉટ થવાનો ખતરો હતો. જોકે ઇંગ્લેન્ડે જોરદાર દેખાવ કરીને વાપસી કરી હતી. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે શક્તિશાળી ઓસ્ટ્રેલિયા પર મજબૂત જીત મેળવી હતી. પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર જીત મેળવીને મોટો અપસેટ સર્જયો હતો. ન્યુઝીલેન્ડની ટીમ અંડરડોંગ તરીકે મેદાનમાં ઉતરી હતી અને ભારત સામે લો સ્કારિંગ મેચમાં પણ જીત મેળવી લીધી હતી. હવે ફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં ભારત સામે જોરદાર દેખાવ કર્યા બાદ તેની પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ગયા બાદ કરોડો ચાહકો નિરાશ થયા છે પરંતુ ફાઇનલ મેચ જોવા માટે ઉત્સુક છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત 2015માં સેમિફાઇનલમાં જીત મેળવીને ફાઇનલમાં પહોંચી શકી છે.  ક્રિકેટ વર્લ્ડકપમાં 12માં એડિશનની મેચો ચાલી રહી છે. ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો 1992ની એડિશન બાદ પ્રથમ વખત અંતિમ ચારમાં પહોંચી છે. છઠ્ઠી વખત ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ જીત મેળવીને ફાઇનલમાં પહોંચી છે. છેલ્લા છ  વખતમાં ત્રણ વખત તેની જીત થઇ છે અને બે વખત હાર થઇ છે. આવતીકાલે ફાઇનલમાં રમે તે પહેલા ત્રણ વખત ફાઈનલમાં રમી હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ ક્યારેય પણ વિજેતા બની શકી નથી. 1975ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં આમને સામને આવી હતી.  1975માં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી.
 ઇંગ્લેન્ડના ચાહકો ભારે ઉજવણીના મુડમાં દેખાઇ રહ્યા છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડ કપથી હજુ સુધી વંચિત રહી છે. પ્રથમ વખત તેની પાસે પણ કપ જીતવાની તક છે. વિલિયમસન જોરદાર ફોર્મમાં છે. જો કે ઓપાનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ હાલમાં ફોર્મમાં નહીં હોવાથી તેની સામે સમસ્યા થયેલી છે.  બંને ટીમો નીચે મુજબ છે. 
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, સ્ટોકસ, વિન્સ, વોક્સ અને માર્ક વુડ.  
ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer