બાળકોને વેચનારી ટોળકી જ નવજાત શિશુની ઉઠાંતરીનું કૌભાંડ

ચલાવતી હોવાની પોલીસને શંકા એક ડઝન આરોપી પકડાયા, ચાર બાળકોને બચાવાયાં
 
મુંબઈ, તા.13 : બાળકોને વેચવાના કૌભાંડમાં ગયા મહિને પકડાયેલા આરોપીઓ બાળકોની ઉઠાંતરી કે અપહરણના ધંધામાં પણ સામેલ છે કે કેમ તેની તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જૂનમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-6એ ચાર મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી. આ મહિલાઓ વિરુદ્ધ દીકરો દત્તક લેવા ઇચ્છનારાઓને શોધીને ગરીબ પરિવાર પાસેથી નવજાત દીકરાને અમૂક રકમમાં ખરીદીને દત્તક લેનારાઓને સુપરત કરીને તગડી કમાણી કરતી હોવાનો કેસ છે.
બાળકોને વેચવાના આ કૌભાંડની તપાસ અંતર્ગત પોલીસે બાળકો ખરીદનારા અને વચેટિયા (દલાલો) મળીને વધુ આઠ વ્યક્તિની ધરપકડ કરી છે એટલું જ નહીં આ ટોળકીએ વેચી મારેલા ચાર બાળકોને પણ બચાવી લીધા છે. પોલીસે બે બાળકોને દિલ્હીથી અને બીજા બેને મહારાષ્ટ્રમાંથી બચાવી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાંથી બચાવાયેલા બે બાળકોના મૂળ માતા-પિતા મળી ગયા છે પરંતુ દિલ્હીથી બચાવાયેલા બે બાળકોના પરિવારની ભાળ મેળવવાની હજુ બાકી છે. 
આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીના જણાવ્યા પ્રમાણે દિલ્હીથી મળેલા બાળકોની બહુ જ ઓછી વિગતો આરોપીઓએ પોલીસને આપી છે. આરોપીઓ જાણીજોઇને આવું કરી રહ્યાની શંકા છે કેમ કે તેઓ વધુ એક મોટું કૌભાંડ છુપાવી રહ્યા છે. અમને શંકા છે કે આ બાળકોને કાં તો કોઇ હૉસ્પિટલમાંથી ઉઠાવાયા છે અથવા તો તેમના અપહરણ કરીને વેચી દેવાયા છે. બાળકોની ઉઠાંતરી કે અપહરણનું આ મોટું કૌભાંડ હોવાની પોલીસને શંકા છે. 
આ બાળકોના અસલી પરિવારની ભાળ મેળવવા માટે પોલીસે મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈ તેમ જ થાણે જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં પાંચ વર્ષમાં નવજાતની ઉઠાંતરી કે અપહરણના કેસોની વિગતો એકત્ર કરાઇ રહી છે. બચાવાયેલા ચારેય બાળકોની સારસંભાળ હાલમાં રાજ્યની બાળ કલ્યાણ કમિટીને સોપાઇ છે, કેમ કે બે બાળકોના ડીએનએના નમૂના તેના સાચા માતા-પિતાના ડીએનએ સાથે મૅચ કરવાના મેડિકલ ટેસ્ટ ચાલી રહ્યા છે. પોલીસને શંકા છે કે લગભગ છેલ્લાં અઢી વર્ષથી આ ટોળકી બાળકોને વેચવાના તેમ જ નવજાતની ઉઠાંતરીનું રેકેટ ચલાવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer