ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં રૂા. 254 કરોડનો શરાબ પકડાયો!

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13: રાજ્ય વિધાનસભામાં વિવિધ જિલ્લાઓમાં દેશી અને વિદેશી દારૂ અંગેના સંખ્યાબંધ પ્રશ્નો પૂછાયા છે જેમાં સરકારે એવી કબુલાત કરી છે કે છેલ્લા બે વર્ષમાં રૂા.254.80 કરોડનું દેશી-વિદેશી દારૂ પકડાયો છે. સરકારે જ જાહેર કર્યા મુજબ આ બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 15 લાખ 40 હજાર 454 લિટર દેશી દારૂ, 1 કરોડ 29 લાખ 50 હજાર 463 જેટલી વિદેશી દારૂની બોટલોઉપરાંત 18 લાખ 34 હજાર 8792 જેટલી બિયરની બોટલો પકડવામાં આવી છે. એનો સીધો અર્થ એ થાય કે ગુજરાતમાં એક બાજુ દારૂબંધી નાકારણે સરકારને કરોડો રૂપિયાની એક્સાઇઝ ડયુટીની આવક ગુમાવવી પડે છે, તો બીજી બાજુ રાજ્યમાં અબજો રૂપિયાનો દારૂ ગેરકાયદે રીતે ઘુસાડવામાં આવી રહ્યો છે. 
1600 કિ.મી.ના દરિયાકિનારા ઉપરાંત ગુજરાત આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદોથી ઘેરાયેલું રાજ્ય છે. જેની સુરક્ષા માટે ગુજરાત અને ભારત સરકાર દ્વારા અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાનમાં રૂા.254 કરોડ 80 લાખના દારૂની લોખા-કરોડો બોટલો ઘુસાડવામાં આવતી હોય તો પોલીસના વ્યવસ્થાપનની ખામીની બાબત ઊડીને આંખે વળગે તેવી છે. રાજ્યમાં ઓછું પોલીસબળ મહત્વની ખાલી જગ્યાઓ પણ આ માટે જવાબદાર હોય એમ મનાય છે. 
સરકાર દ્વારા થેલ્લા બે વર્ષ દરમિયાન દેશી દારૂ માટે 1,32,415 જેટલા અને વિદેશી દારૂ માટે 29,989 જેટલા કેસો કરવામાં આવ્યા છે અન ઁતમાં જવાબદાર 1,88,224 આરોપીઓને પકડવામાં આવ્યા છે. જ્યારે 3024 આરોપીઓ પોલીસની પકડથી બહાર છે. આ સ્થિતિ  પણ રાજ્યને પોલીસ તંત્ર માટે ચોંકાવનારી છે. 
રાજ્યમાં એક બાજુ દારૂબંધીનો કડક અમલ કરાવવા રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તનતોડ મહેનત કરી રહ્યા છે તેમ છતાં લાંચિયા પોલીસ અધિકારીઓની મીલીભગતથી રાજ્યમાં બેરોકટોક દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. જે અંદાજીત છેલ્લા બે વર્ષ દરમિયાન રૂા.254 કરોડનો દારૂ પકડાયો છે. અર્થાત એવુ ંકહી શકાય કે, રોજનો ગુજરાતમાંથી રૂા.35 લાખનો દારૂ પકડાય છે. આ આંકડા સરકારી ચોપડે નોંધાયેલા છે જો કે આ સિવાય આનાથી બે થી ત્રણ ગણો દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર ઠલવાયો હશે. 
નોંધનીય બાબત એ છે કે, બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદે અડીને આવેલો છે અને બનાસકાંઠામાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન રૂા.25.52 કરોડનો દારૂ પકડાયો છે. ત્યારબાદ દીવ, દમણને અડીને આવેલા વલસાડ જિલ્લામાંથી રૂા.24.92 કરોડનો દારૂ પકડાયો છે.જ્યારે સંસ્કારી નગરી વડોદરામાંથી રૂા.18.63 કરોડનો, અમદાવાદ મેટ્રો સિટીમાંથી રૂા.18.72 કરોડ જ્યારે સુરત જેવા શહેરમાંથી રૂા.16.47 કરોડ, અરવલ્લી જિલ્લામાંથી રૂા.16.12 કરોડ, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાંથી રૂા.10.81 કરોડનો તેમજ કચ્છ જિલ્લામાંથી રૂા.10.18 કરોડનો ગેરકાયદે દારૂ પકડાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer