વીમા કંપનીઓ સામેનો મોરચો એ શિવસેનાની `નૌટંકી'' વિપક્ષી નેતા

મુંબઈ, તા. 13 : (પીટીઆઈ) આવતા સપ્તાહમાં પાક વીમા કંપનીઓ વિરુદ્ધ વિરોધ રૅલી કાઢવાની શિવસેનાની ઘોષણા માટે મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષી નેતા વિજય વેડેત્તીવારે આજે સેનાનો ઉધડો લીધો હતો.
રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે આ રૅલીને `નૌટંકી' ગણાવતાં વેડેત્તીવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપના નેતૃત્વવાળી સરકારનો ભાગ હોવા છતાં શિવસેના વિરોધપક્ષની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહી છે.
સરકારમાં હોવા છતાં સેના વિપક્ષનો ભાગ કેમ ભજવવા માગે છે? સેનાના પ્રધાનો પ્રધાન મંડળની બેઠકોમાં મૌન રહે છે. અને પછી ખેડૂતોની સમસ્યાઓ પર પ્રકાશ પાડવા મોરચાની વાતો કરે છે. આ `નૌટંકી' સિવાય કશું નથી, એમ તેમણે જણાવ્યું હતું.
સરકાર અને વહીવટી તંત્રમાં શિવસેનાને કોઈ પૂછતું નથી એટલે તે વિપક્ષની જેમ મોરચાનું આયોજન કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે વીમા કંપનીઓ સાથે રાજ્ય સરકારની મિલિભગત છે. જેથી આ કંપનીઓ ક્લેમ ચૂકવવામાં વિરોધ કરે છે. જો શિવસેનાને ખેડૂતોની એટલી જ ચિંતા હોય તો તેમણે સરકારમાંથી ખસી જવું જોઈતું હતું; એમ પણ તેમણે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer