નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી ઘોષિત કરવાની સત્તા અમારી પાસે નથી

ખાસ મુંબઈ સેશન્સ કોર્ટે જણાવતાં એજન્સીઓના પ્રયાસ વિલંબમાં

મુંબઈ તા. 13:  હીરાના ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદી સામેના કેસ હાથ ધરી રહેલી અહીંની ખાસ મુંબઈ સેશન્સ કોર્ટે, નીરવને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાને લગતી સત્તા ધરાવતી ન થાય ત્યાં સુધી આ બાબતની સુનાવણી મોકુફ રાખી દેતાં, નીરવને ભાગેડુ આર્થિક અપરાધી ઘોષિત કરવાના લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના પ્રયાસ વિલંબમાં મુકાયા છે. 
ખાસ જજ યુ.એમ.મુધોલકરે જણાવ્યુ હતું કે આવી બાબતો સાથે કામ પાડતી કોર્ટો પાસે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ (પીએમએલએ) હેઠળ સત્તા હોવી જોઈએ અને તે ય સીબીઆઈ/ એન્ટી કરપ્શન બ્રાંચ માટેની ખાસ કોર્ટ હોવી જોઈએ. 
આ કોર્ટ માત્ર પીએમએલએ હેઠળની સત્તા જ ધરાવે છે.
જયાં સુધી સીબીઆઈ/એસીબી જજ તરીકેની ખાસ સત્તાને લાગેવળગે છે ત્યાં સુધી આ બારામાં કોઈ જાહેરનામું આ કોર્ટને મળ્યું નથી, તેથી આ કોર્ટ આવી બાબતો સાથે અસરકારકપણે કામ પાડી ન શકે એમ તેમણે જણાવ્યું હતું.
જાહેરનામું ટૂંક સમયમાં આવે આવે તેમ છે તેથી વધુ કશી ગૂંચવણો નિવારવા આ અરજી પરથી આદેશ પસાર કરવાનું સુનાવણીની આગલી તારીખ સુધી અથવા જાહેરનામું મળી જવા સુધી વિલંબિત થશે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ નીરવની વિદેશી અસ્કયામતો ટાંચમાં લેતા પહેલાં તેના પર ભાગેડુ આર્થિક અપરાધીનું ટેગ (છોગું) મેળવવું જ પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer