આઈસીઈએક્સ પર મરીમાં પાકના વાયદાએ નજીવો સુધારો

મરીમાં વિયેટનામના આંતરરાષ્ટ્રીય બજારમાં અડધા ભાવે વેચાણોને કારણે ભારતને ફટકો, ઇન્ફ્રાસ્ટ્રકચર, અૉટો

સહિતનાં ક્ષેત્રોમાં મૂડીરોકાણોને પગલે સ્ટીલનો વપરાશ વધવાની ધારણા 

મુંબઈ તા.13 : આઈસીઈએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહમાં કુલ ટર્નઓવર ગતસપ્તાહના સમાનગાળાની સરખામણીમાં રૂા.32.74 કરોડથી વધીને રૂા.521.15 કરોડનું  થયું હતું. ડાયમંડ વાયદામાં ટર્નઓવર રૂા.15.45 કરોડથી વધીને રૂા.234.71 કરોડ, સ્ટીલ-લોંગમાં રૂા.1.41 કરોડ વધીને રૂા.141.88 કરોડ, રબરમાં રૂા.1.55 કરોડ વધીને રૂા.66.97 કરોડ, ઈસબગુલમાં રૂા.1.93 કરોડ વધીને રૂા.15.62 કરોડ અને કાળાં મરીમાં રૂા.7.06 કરોડ વધીને રૂા.56.53 કરોડનું થયું હતું. 
  કાળાં મરી :એક્સચેન્જ પર સમીક્ષા હેઠળના સપ્તાહમાં કાળાં મરીના નજીકના પાકતા ઓગસ્ટ કોન્ટ્રાકટમાં કિલોદીઠ ભાવ રૂા.353થી નજીવા વધી રૂા.353.55 થયા હતા. વિશ્વબજારમાં વિયેટનામની સસ્તી વેરાયટીની આવકો અને નેપાળ માર્ગે મરીની ગેરકાયદે આયાતને પગલે હાજર બજારમાં ભારતીય મરી પ્રતિસ્પર્ધામાં પાછળ પડી રહ્યા હોઈ સ્થાનિક ભાવ પર દબાણ આવ્યું છે. ભારતના ટનદીઠ 6000 ડૉલરના ભાવની સામે વિયેટનામના તેથી અર્ધા ટનદીઠ  2800 ડૉલરના ભાવે મરીનું વેચાણ કરી રહ્યું છે. આગલાં બે વર્ષની સરખામણીમાં વર્ષ 2017-18માં ભારતીય મરીની નિકાસો 40 ટકા જેટલી ઘટી 16840 ટનની થઈ છે. જે તાજેતરના સમયગાળામાં ન્યુનતમ રહી છે. સ્પાઈસ બોર્ડના પ્રાપ્ત આંકડાઓ અનુસાર ડિસેમ્બર, 2018નાનવ મહિનાના ગાળામાં વર્ષાનુવર્ષ ધોરણે મરીના શિપમેન્ટમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. અન્ય રાષ્ટ્રોના સસ્તાં મરીની ઉપલબ્ધિથી ભારતીય મૂળનાં મરીની નિકાસોના હિસ્સામાં ઘટાડો થયો છે. 
સ્ટીલ : એક્સચેન્જ પર સમીક્ષા હેઠળના ગતસપ્તાહમાં સ્ટીલ-સળિયાના નજીક મહિનાના પાકતા ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં ભાવ ટનદીઠ રૂા.30,500થી ઘટી રૂા.29,810 થયો હતો. વર્ષ 2018-19ના આર્થિક સર્વેક્ષણ મુજબ વર્ષ 2021માં સરકારે ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 128.6 મિલિયન ટન અને ઇન્ફ્રાસ્ટ્રકચર, કન્સ્ટ્રકશન અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં મૂડીરોકાણોને પગલે વર્ષ 2023 સુધીમાં વપરાશ 140 મિલિયન ટન રહેવાનો અંદાજ બાંધ્યો છે. વર્ષ 2017-18ના 103.13 મિલિયન ટનની સરખામણીમાં વર્ષ 2018-19માં 3.3 ટકા વધી 106.56 મિલિયન ટન રહ્યું હોવાનું આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું હતું. વિશ્વના સરેરાશ 214 કિલો સામે ભારતનો સ્ટીલનો માથાદીઠ વપરાશ માત્ર 69 કિલોનો છે. કુલ નિકાસ વર્ષ 2017-18ના 9.62 મિલિયન ટનના ઉચ્ચતમ વોલ્યુમ સામે ઘટી 2018-19 દરમિયાન 6.36 મિલિયન ટનની રહી છે. આ સામે, આયાતો ખાસ કરીને દક્ષિણ કોરિયા, જપાન અને એશિયન રાષ્ટ્રો ખાતેથી વધી છે. ફિનિશ્ડ સ્ટીલમાં 2917-18ના 7.48 મિલિયન ટનની સામે 2018-19માં 7.84 મિલિયન ટન સાથે આયાતકાર તરીકે જળવાઈ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer