પશ્ચિમ બંગાળમાં વિપક્ષના 107 ધારાસભ્ય ભાજપમાં જોડાશે

મુકુલ રોયનો દાવો

કોલકાતા, તા.13 : કર્ણાટક બાદ હવે પશ્ચિમ બંગાળના શાસક પક્ષમાંથી ધારાસભ્યોના પલાયનની સ્થિતિ ઊભી થઈ છે. લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં બમ્પર એન્ટ્રી કરનારા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના પરિણામો બાદથી જ શાસક તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નગરસેવકો અને ધારાસભ્યોનું આવવાનું શરૂ થયું હતુ. હવે પક્ષના નેતા મુકુલ રોયે દાવો કર્યો છે કે બહુ જલ્દી કોંગ્રેસ, ટીએમસી અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ના 107 ધારાસભ્ય ભાજપમાં શામેલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે મુકુલ રોય પોતે પણ પહેલાં ટીએમસીમાં જ હતા અને મમતા બેનરજીના વિશ્વાસુ મનાતા હતા.
રોયે કહ્યું હતું કે સીપીએમ, કોંગ્રેસ અને ટીએમસીના 107 ધારાસભ્ય ભાજપમાં આવશે. અમે સૂચિ તૈયાર કરી લીધી છે અને તે તમામ અમારા સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે પ.બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. ટીએમસી પાસે 211 બેઠક છે જ્યારે કોંગ્રેસ પાસે 44 અને સીપીએમને 26 બેઠક મળી હતી. ભાજપ માત્ર ત્રણ બેઠક જીત્યો હતો. બહુમતી માટે 148 ધારાસભ્યની આવશ્યકતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer