રાજકોટના ઉદ્યોગપતિની મુંબઈમાં ધરપકડ
હડાળામાં સામ ફાઇન ઓ કેમ નામે કંપની, મંજૂરી વિના ગેરકાયદે નિકાસ : કસ્ટમની બેદરકારી કે મીલીભગત?
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ.તા.13 રાજકોટના હડમતાળા ઔદ્યોગિક વિસ્તારમાં સામ ફાઇન ઓ કેમ નામે કેમિકલ ફેક્ટરી ધરાવતા ઉદ્યોગપતિ અને કંપનીના ડિરેક્ટરે ભારતમાં પ્રતિબંધિત રસાયણનું ઉત્પાદન કરીને ઇટાલીમાં નિકાસ કરી નાખતા હવે ધરપકડ કરીને રિમાન્ડમાં લેવામાં આવ્યા છે. સમગ્ર ઓપરેશન મુંબઇ પોલીસના એન્ટિ નાર્કોટિક સેલ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. આ બનાવ પછી રાજકોટના ઉદ્યોગ જગતમાં વ્યાપક ચર્ચા થવા લાગી છે.
હડમતાળા સ્થિત આ કંપનીએ 400 કિલો જેટલું વન-ફિનેથાઇલ-4 પાઇપરીડોન (એનપીપી) કે જે ભારતમાં પ્રતિબંધિત છે તે ઇટાલિયન કંપનીને નિકાસ કર્યું હતુ. આ કેમિકલનો ઉપયોગ સિન્થેટિક નાર્કેટિક ફેન્ટાલીન બનાવવામાં થાય છે. આવા કિસ્સાઓમાં ગ્વાલિયર સ્થિત સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સની પરવાનગી લેવાની હોય છે. નિયમોનું ઉલ્લંઘન કરીને નિકાસ થતા હવે કંપનીના ફૂલ ટાઇમ ડાયરેક્ટર દિપક મહેતાની ધરપકડ મુંબઇમાં થઇ છે અને હવે સોમવાર સુધી રિમાન્ડ લેવાયા છે.
ઇટાલિયન કંપની કેમ્બ્રેક્સ પ્રોફાર્નાકો મિલાનો એસઆરએલને મુંબઇથી આ કેમિકલ વાયા એર કાર્ગો નિકાસ કરાયું હતુ. કસ્ટમ વિભાગની લાપરવાહી કે મિલિભગતથી આ રીતે નિકાસ થઇ હોવાનું એન્ટિ નાર્કોટિક વિભાગ માને છે. નિકાસ થયેલું આ કેમિકલ ઇટાલિયન કંપનીએ પોતે મંગાવ્યું છે કે, તેની પાસેથી કોઇ અંતિમ પાર્ટી સુધી પહોંચવાનું છે તે માટેની તપાસ કરવા માટે ઇન્ટરપોલની મદદ લેવામાં આવી છે.
દિપક મહેતાએ તેની કંપનીમાં 516 કિલો એનપીપી બનાવ્યું છે. એમાંથી 400 કિલોની નિકાસ ઇટાલિયન કંપનીને કરવામાં આવી છે. વધારાનું 16 કિલો સીઝ કરવામાં આવ્યું છે. બાકીનું 100 કિલો કેમિકલ ગયા ડિસેમ્બર મહિનામાં સાંતાક્રુઝના વાકોલા ખાતેથી સીઝ કરવામાં આવ્યું હતુ. આ જથ્થો છ મહિના પહેલા ચાર સખ્સો લઇને જતા હતા ત્યારે મુંબઇમાં ઝડપાયા હતા. આ જથ્થાની કિંમત રૂ. 1000 કરોડ થાય છે. વેસુવિયય નામની મેક્સિકોની કંપનીને તે મોકલવામાં આવનાર હતુ. મુંબઇની ટક્ષાસ્ટા કેમ ઇન્ડિયા લી.ના શખ્સોએ મેક્સિકન કંપનીને નિકાસ કરવા માટે બોગસ દસ્તાવેજથી ટ્રેડિંગ ફર્મ માટે આયાત-નિકાસનો કોડ મેળવ્યો હતો. આમલીના બીજનો પાઉડર છે તેમ દર્શાવીને નિકાસનો પ્રયત્ન થયો હતો. આ 100 કિલો જથ્થો રાજકોટની સેમ ફાઇન ઓ કેમમાં બન્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ.
એનપીપી કેમિકલ એવું છેકે જેને શિડયૂલ બી અને સીમાં મૂકવામાં આવ્યું છે. નાર્કોટિક એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સ ઓર્ડર 2013 પ્રમાણે આ કેટેગરી નક્કી થઇ છે. કેન્દ્ર સરકારે 27 ફેબ્રુઆરી 2018માં પરિપત્ર બહાર પાડીને પ્રતિબંધિત કરેલું છે. કલિના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના માર્ચ મહિનાના અહેવાલ પ્રમાણે એનપીપીનો ઉપયોગ ફેન્ટાનીલ બનાવવા માટે કરવામાં આવે છે.