સસ્તા નાયલોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાગવાની શક્યતા

સુરત, તા. 13 : કેટલાંક ટોચનાં સ્પીનર્સે કાર્ટેલ રચી આયાત થતાં સસ્તા નાયલોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લગાવવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી છે. આ મામલાની ગંધ વિવર્સ સુધી પહોંચતાં ફીઆસ્વી, સાસ્કમા સહિતનાં કાપડઉદ્યોગનાં સંગઠનોએ કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીને પત્ર લખી આવી ડયૂટી ન લગાવવા વિનંતી કરી છે. જો આમ થાય તો વિવર્સની હાલત વધુ કફોડી બનવાની શક્યતા છે.
ફેડરેશન અૉફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઈન્ડસ્ટ્રી(ફીઆસ્વી)નાં ચૅરમૅન ભરત ગાંધી કહે છે કે, અમે કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીને વિસ્તૃત માહિતી પત્ર લખી નાયલોન લોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાગુ ન કરવા માટે રજૂઆત કરી છે. મૅન-મેડ ફાઈબર પાવરલુમ્સ ક્ષેત્રે દેશભરમાં 24 લાખથી વધુ વિવિંગ યુનિટ ચાલી રહ્યા છે. જો આમ થશે તો સુરતનાં અનેક વિવર્સ ભારે મુશ્કેલીમાં મુકાશે. આ મામલે મંત્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. 
સૂત્રોનાં જણાવ્યાનુસાર ટોચનાં 15 સ્પીનર્સે કાર્ટેલ રચી આયાત થતાં સસ્તા નાયલોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા ડાયરેક્ટર જનરલ અૉફ એન્ટિ ડમ્પિંગ ઍન્ડ એલાઈડ ડયૂટીઝ(ડીજીએડી) સમક્ષ આ મામલે રિવ્યુ પિટિશન કરી છે. સ્થાનિક વિવિંગ સંગઠનો આ મામલાની જાણ થતાં ભારે રોષે ભરાયા છે. એક તરફ સરકાર ટફ(ટેકનૉલૉજી અપગ્રેડેશન ફંડ)ની પેન્ડિંગ અરજીઓ અને વિવર્સની આઈટીસી ક્રેડિટ રિફંડ સહિતનાં મામલે ઝડપથી કાર્યવાહી કરવાનાં મૂડમાં નથી. એવામાં જો સરકાર સ્પીનર્સની રિવ્યુ પિટિશન પર સસ્તા આયાતી નાયલોન યાર્ન પર ડયૂટી લાગુ કરે તો વિવર્સની સ્થિતિ વધુ કફોડી બની શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer