ગ્રીનફોર્ડ-લંડનમાં નવનિર્મિત જલારામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ગ્રીનફોર્ડ-લંડનમાં નવનિર્મિત જલારામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
પ્રવીણ ગણાત્રા તરફથી
લંડનના ગ્રીનફોર્ડમાં સંતશ્રી જલારામ બાપાના નવનિર્મિત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ધૂમધામથી ઊજવવામાં આવ્યો હતો. શાસ્ત્રીજી પલ્કેશભાઈ ત્રિવેદીએ શાસ્ત્રોક્ત વિધિથી જલારામ બાપા સહિત વિવિધ દેવ-દેવીઓની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. લંડનના મેયર સદીક ખાન, કોર્પોરેટર્સ, રામબાપા વગેરે અગ્રણીઓ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રામાં પણ સામેલ થયા હતા. ટ્રસ્ટીઓ પ્રફુલ રાડિયા, પ્રકાશ ગંડેચા, રજનીકાંત દાવડા, રશ્મી ચતવાની, રજની ખીરૈયા, શરદ ભીમજીયાણી, અસ્મિતા મસરાણી, ડૉ. જયુ મોરજરિયા, ડૉ. મનસુખ મોરજરિયા, લક્ષ્મીદાસ પોપટ, સની બહિરાની, કિશોર ઘેલાણી, વિનોદ કાનાબાર અને અમૃતભાઈ રાજાણીએ મંદિરના નવનિર્માણ માટે જહેમત ઊઠાવી હતી. 2017માં મંદિરનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને અગાઉના નાનકડા મંદિરની જગ્યાએ મોટું અને સુંદર મંદિર ઊભું કરાયું છે. જલારામ મંદિર દ્વારા ભારતમાં વિવિધ સ્થળે નેત્ર ચિકિત્સા કેમ્પ, ડેન્ટલ કેમ્પ, ગૌશાળા સેવા તથા ગરીબ બાળકો માટે ભોજન વ્યવસ્થા જેવા કાર્ય હાથ ધરવામાં આવે છે. લંડનમાં પણ જરૂરતમંદોને ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer