વિશ્વકપ ન જીતી શકવાનો રંજ રહેશે : શોએબ મલિક

વિશ્વકપ ન જીતી શકવાનો રંજ રહેશે : શોએબ મલિક
20 વર્ષની કારકિર્દી બાદ મલિકે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
નવી દિલ્હી, તા. 6 : પાકિસ્તાનના સિનિયર બેટ્સમેન શોએબ મલિકે શુક્રવારે વનડે ક્રિકેટમાંથી સન્યાસનું એલાન કર્યું હતું. પાકિસ્તાન માટે 20 વર્ષ સુધી ક્રિકેટ રમનારા શોએબ મલિકે કહ્યું હતું કે, પોતાની કારકિર્દી દરમિયાન વિશ્વકપ ન જીતી શકવાનો રંજ રહેશે. મલિકે પોતાના આંતરરાષ્ટ્રિય કારકિર્દીની શરૂઆત 1999માં કરી હતી. તેમજ અંતિમ મેચ ભારત સામે 16 જૂનના રોજ વિશ્વકપમાં રમ્યો હતો. જો કે અંતિમ મેચમાં મલિક ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ બાકીની મેચમાં મલિકને રમવાનો મોકો મળ્યો નહોતો. મલિકે પાંચ વર્ષ પહેલા 2015માં અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ 2016માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું હતું. જો કે મલિક હજી ટી20માં રમવાનું ચાલુ રાખશે. 
બંગલાદેશ સામેના મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને શોએબ મલિકે વનડેમાંથી સન્યાસની જાણકારી આપી હતી. મલિકે કહ્યું હતું કે, વિશ્વકપ બાદ વનડેમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય અમુક વર્ષ પહેલા જ કરી લીધો હતો. વધુંમા હવે પરિવાર અને ટી20 ઉપર ફોકસ કરવામાં વધુ સમય મળશે તેમ ઉમેર્યું હતું. મલિકને કારકિર્દીના યાદગાર ક્ષણ અંગે સવાલ પૂછવામાં આવતા કહ્યું હતું કે, જ્યારે પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યારે તે ટીમનો હિસ્સો હતો. આ ક્ષણ યાદગાર રહેશે. આ સાથે જ વિશ્વકપ ન જીતી શકવાનો રંજ રહેશે તેમ પણ મલિકે કહ્યું હતું હતું. ત્યારબાદ શોએબ મલિકે ટ્વિટર ઉપર પણ વનડે ક્રિકેટમાંથી સન્યાસની ઘોષણા કરીને પરિવાર, મિત્રો અને ચાહકોનો આભાર માન્યો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer