સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટી પ્રીતિબહેન મહેતા બન્યાં રોટરી ક્લબ અૉફ બૉમ્બેના પ્રમુખ

સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટી પ્રીતિબહેન મહેતા બન્યાં રોટરી ક્લબ અૉફ બૉમ્બેના પ્રમુખ
સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને દેશના અગ્રણી  100 ધારાશાસ્ત્રીઓમાં સ્થાન ધરાવતાં પ્રીતિબહેન મહેતાએ રોટરી ક્લબના પ્રમુખનો હોદ્દો સંભાળી લીધો છે.  
મુંબઈ અને ઇંગ્લેન્ડ બંને સ્થળથી સોલિસીટર બનેલાં પ્રીતિબહેન મહારાષ્ટ્ર અને ગોવાની બાર કાઉન્સિલના સભ્ય છે.  છેલ્લાં 30 વર્ષથી ધારાશાસ્ત્રી તરીકે કાર્યરત પ્રીતિબહેન અગ્રણી સોલિસીટર ફર્મ કાંગા ઍન્ડ કંપનીના સિનિયર પાર્ટનર છે.   
વર્ષ 2004માં રોટરી ક્લબમાં જોડાયાં ત્યારથી તેમણે ક્લબના અનેક પ્રોજેક્ટ્સને સફળતા અપાવવામાં યોગદાન આપ્યું છે. અન્યોની સેવામાં પોતાની જાતને ઓતપ્રોત કરવાના મહાત્મા ગાંધીના અનુરોધને પ્રીતિબહેને જાણે પોતાના જીવનમાં ઉતાર્યો છે. આમ કરવામાં તેમણે વ્યવસાયિક અને સામાજિક જીવનમાં સંતુલન જાળવ્યું છે. પ્રીતિબહેનની આ કુશળતાએ  જ તેમને રોટરી ક્લબના આ સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચાડયા છે.  
પ્રીતિબહેન કોર્પોરેટ લૉ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ કોલોબરેશન, પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, બૅન્કિંગ, ફ્રેન્ચાઈઝીંગ ઍન્ડ હૉસ્પિટાલિટીમાં નિપુણ છે. તેઓ અનેક કંપનીઓના બોર્ડ ઉપર ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર પણ છે. ઇન્ડિયા બિઝનેસ લૉ જર્નલના દેશના ટોચના 100 ધારાશાસ્ત્રીઓની યાદીમાં તેમણે સ્થાન જાળવી રાખ્યું છે.  
ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે `હુ'ઝહુ ઈન્ટરેનેશનલ દ્વારા સન્માનિત પ્રીતિબહેને છેલ્લાં થોડાં વર્ષથી ઇન્ડિયા બિઝનેસ લૉ જર્નલમાં પણ પ્રથમ 100 ભારતીય ધારાશાસ્ત્રીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 
પ્રીતિબહેનનાં લગ્ન ગૌતમ ટી મહેતા સાથે થયા છે, જેઓ એડ્વોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને આર્બિટ્રેટર પણ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer