નીરવ મોદીને 7200 કરોડ વ્યાજ સાથે પરત બૅન્કને ચૂકવવાનો આદેશ

નીરવ મોદીને 7200 કરોડ વ્યાજ સાથે પરત બૅન્કને ચૂકવવાનો આદેશ
પુણેની ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલનો હુકમ
પુણે, તા. 6 (પીટીઆઈ) : અહીંની ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે લંડનની જેલમાં હાલ કેદ હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી અને તેમના સાથીઓને વ્યાજ સાથે રૂપિયા 7200 કરોડ પંજાબ નેશનલ બૅન્કને ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ભારતને હાલ પંજાબ નેશનલ બૅન્કના ફ્રોડ અને બે અબજ અમેરિકન ડૉલરના મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદી (48)ની તલાશ છે.
ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ, મુંબઈનો વધારાનો ચાર્જ સંભાળતાં પ્રિસાઈડિંગ અધિકારી દીપક ઠક્કરે પંજાબ નેશનલ બૅન્કની તરફેણમાં બે કેસમાં આ હુકમ બહાર પાડયો હતો.
``આરોપી અને તેના ભાગીદારોને અરજદાર (પીએનબી)ને સંયુક્ત રીતે કે અલગ રીતે વાર્ષિક 14.30 ટકાના વ્યાજ સાથે 30 જૂન, 2018થી રૂપિયા 7029,06,87,950.65ની કુલ રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે'' એમ ડીઆરટીના હુકમમાં જણાવવામાં આવ્યું હતું.
અન્ય એક હુકમ બહાર પાડતાં જજે મોદી અને અન્યોને 27 જુલાઈ, 2018થી 16.20 ટકાના વ્યાજના દર સાથે રૂપિયા 232,15,92,636 પીએનબીને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલના અધિકારીએ જણાવ્યું હતું કે, ડીઆરટીના રિકવરી અધિકારીઓ વધુ કાર્યવાહી કરશે.
મોદીની 19 માર્ચના સ્કોટલૅન્ડ યાર્ડના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તેના પર ભારતમાં પ્રત્યાર્પણની કાર્યવાહી તોળાઈ રહી છે.
ઇંગ્લૅન્ડની એક સૌથી ભરચક એવી હર મેજેસ્ટી પ્રીઝનમાં હાલ મોદી કેદ ભોગવી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer