મરીન ડ્રાઈવના સમુદ્રમાં બે ડૂબ્યા

મરીન ડ્રાઈવના સમુદ્રમાં બે ડૂબ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મુંબઈમાં આજે વરસાદનું જોર ઓછું રહ્યું હતું. શનિવારે રાત્રે 8.30 વાગે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં નવ મિ.મી. અને સાંતાક્રુઝમાં 32.1 મિ.મી. વરસાદ નોંધાયો હતો. રવિવારે (આજે) મુંબઈમાં છૂટાછવાયાં ઝાપટાં પડશે અને તેમાંનાં કેટલાંક ઝાપટાં ભારે હશે.
શનિવારે સવારે 8.30 વાગે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 54.2 મિ.મી. અને સાંતાક્રુઝમાં 77.8 મિ.મી. વરસાદ નોંધાયો હતો. શનિવારે સવારે 8.30 વાગ્યાના આંકડા અનુસાર મોસમનો કુલ વરસાદ કોલાબામાં 703.50 મિ.મી. અને સાંતાક્રુઝમાં 1121.80 મિ.મી. નોંધાયો હતો.
મરીન ડ્રાઈવ ખાતે વરસાદ અને સાથે સમુદ્રના ઊછળતાં મોજાંનો આનંદ લેવા ગયેલા બે જણ તણાયા હતા. આ બનાવ આજે બપોરે 1.30 વાગે બન્યો હતો. નૌકાદળના હેલિકૉપ્ટરની મદદ લેવામાં આવી હતી. અગ્નિશમન દળે ભારે જહેમત પછી જાવેદ ખાન (26) નામના યુવકનો મૃતદેહ શોધી કાઢયો હતો. તેની સાથેના આઠ વર્ષના બાળકનો હજી પત્તો લાગ્યો નથી. રાતના અંધારાને કારણે શોધકાર્ય થંભાવવામાં આવ્યું છે તે આવતી કાલે સવારે ફરી શરૂ થશે.
મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં એકંદરે સારો વરસાદ પડયો છે. પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે છ વાગે પૂરા થયેલા 24 કલાકમાં અપર વૈતરણામાં 82 મિ.મી., મોડકસાગરમાં 82 મિ.મી., તાનસામાં 78 મિ.મી., મધ્ય વૈતરણામાં 54 મિ.મી., ભાત્સામાં 82 મિ.મી., વિહારમાં 88 મિ.મી. અને તુલસીમાં 74 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer