અમિત જેઠવા હત્યા કેસમાં દીનુ બોઘા સહિત સાત આરોપી દોષિત, 11મી જુલાઇએ સજા સુણાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.6 : વર્ષ 2010માં અમદાવાદમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં સીબીઆઇ કોર્ટે ચુકાદો આપતાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. દીનુ બોઘા સોલંકી ઉપરાંત શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને દોષિત જાહેર કર્યા છે. આ આરોપીઓને 11મી જુલાઇએ સજા સંભળાવવામાં આવશે.
મહત્ત્વનું છે કે  અમિત જેઠવા હત્યા કેસની સુનાવણીમાં પહેલા 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતા. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. 
અમિત જેઠવાએ ઘણી આરટીઆઇ કરી હતી. તેમણે જૂનાગઢ અને ગીરની આસપાસ ગેરકાયદે ઉતખન્ન મામલે પીઆઇએલ પણ કરી હતી.  આ મામલે 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇ કોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે પોઇન્ટ બ્લેક રેન્જથી ગોળી મારી હત્યા કરાઇ હતી. આ હત્યા પાછળ દીનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિત જેઠવાના પિતા ભીખાભાઇએ કર્યો હતો. જોકે હત્યા બાદ ગુજરાત પોલીસે તપાસમાં કહ્યું હતું કે, દીનુ સોલંકીની હત્યામાં કોઇ ભૂમિકા નથી. પરંતુ આઇટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના પિતાની પિટિશન પર હાઇ કોર્ટે આ કેસ સીબીઆઇને તપાસ માટે આપ્યો હતો. ઉપરાંત સોલંકીના જામીન સામે પણ અમિત જેઠવાના પરિવારજનોએ પિટિશન દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2014માં સોલંકીને જામીન આપી દીધા હતા. 
આ મામલામાં સીબીઆઇએ તપાસ હાથ ધરીને 6 સપ્ટેમ્બર, 2010ના રોજ હત્યા માટે સોપારી આપવા બદલ શિવા સોલંકીની ધરપકડ કરી હતી.  જ્યારે દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. આમ દીનુ સોલંકી સહિત સાત આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ છે. 
સીબીઆઇના વકીલે કોર્ટમાં આરોપીઓને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી જ્યારે બચાવ પક્ષના વકીલે દીનુ બોઘાની વધુ ઉંમર થઇ ગઇ હોવાથી ઓછી સજા કરવાની અરજ કરી હતી. ત્યાર બાદ સીબીઆઇ કોર્ટના જજ કેએમ દવેએ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. 
દરમિયાન કોડીનારથી મળતા અહેવાલ મુજબ, ગિરસોમનાથ ડીવાયએસપી પ્રજાપતિના નેજા હેઠળ કોડીનાર, સૂત્રાપાડા, ગીરગઢડા, પ્રભાસપાટણ, ઊના સહિતના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોડીનાર અને આસપાસના વિસ્તારમાં દીનુ બોઘા સોલંકીનો દબદબો હોવાથી આ વિસ્તારમાં તેમના ટેકેદારો વધારે છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer